ફૂટબોલ જગતમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રિયલ મેડ્રિડના ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કિલિયન એમ્બાપ્પે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક ફ્રેન્ચ ટોક શો દરમિયાન ચીનના દિવંગત નેતા અને રાષ્ટ્રપિતા માઓત્સે તુંગને લઈને કરવામાં આવેલી કથિત મજાક એમ્બાપ્પે માટે ભારે પડી ગઈ છે. આ વિવાદ વધતાની સાથે જ ચીનની અનેક મોટી કંપનીઓએ એમ્બાપ્પે સાથેના તમામ પ્રાયોજક કરાર તત્કાલ ધોરણે રદ કરી દીધા છે.

મીમ અંગેની ટિપ્પણીથી શરૂ થયો વિવાદ

મીડિયા અહેવાલો અનુસાર, ફ્રેન્ચ ટોક શો ‘ધ બ્રિજ’ સાથે જોડાયેલા એક વીડિયોમાં એમબાપેને તેમની મનપસંદ ઇન્ટરનેટ મીમ વિશે પૂછવામાં આવ્યું હતું. જવાબમાં તેમણે પોતાના ચહેરાને એક વ્યક્તિની તસવીર પર લગાવેલી મીમનો ઉલ્લેખ કર્યો અને તે વ્યક્તિને ચીનનો તાનાશાહ ગણાવ્યો હોવાનું કહેવાય છે. આ મીમને ચીનના ભૂતપૂર્વ નેતા માઓ ઝેડોંગ સાથે જોડવામાં આવી રહી છે. ચીનમાં માઓ ઝેડોંગ દેશના સ્થાપક નેતા તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. તેમના વિશે મજાક કે વ્યંગને ત્યાં સંવેદનશીલ મુદ્દો માનવામાં આવે છે. આ જ કારણે એમબાપેની ટિપ્પણી સામે ચીની સોશિયલ મીડિયા પર ભારે નારાજગી જોવા મળી.

ચીની કંપનીઓનો મોટો ઝટકો

ચીનમાં માઓત્સે તુંગને અત્યંત આદરપૂર્વક દેશના સ્થાપક તરીકે જોવામાં આવે છે. સ્પેનિશ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિવેદન સામે આવતા જ ચીનની પ્રખ્યાત બેવરેજ કંપની 'ડોંગપેંગ'એ એમ્બાપ્પે સાથેની સ્પોન્સરશિપ સમાપ્ત કરી દીધી છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ચીનની રાષ્ટ્રીય ભાવનાઓને ઠેસ પહોંચાડનાર નિવેદનો પ્રત્યે તેમની 'ઝીરો ટોલરન્સ'ની નીતિ છે. ડોંગપેંગ ઉપરાંત ડેરી જાયન્ટ 'મેંગન્યુ' અને ચીઝ કંપની 'મિલ્કગ્રાઉન્ડ' જેવી મોટી કંપનીઓએ પણ એમ્બાપ્પે સાથેના પોતાના આર્થિક સંબંધો તોડી નાખ્યા છે.

એમ્બાપ્પેએ માફી માગી, છતાં વિવાદ શાંત નથી

વિવાદ વધ્યા બાદ એમ્બાપ્પેએ નિવેદન આપીને પોતાની ટિપ્પણીને અયોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે તેમની વાતથી ચીન અને વિશ્વભરના ચીની સમુદાયના લોકોને દુઃખ થયું હોવાની તેમને હવે સમજ પડી છે. તેમણે પોતાની વાતથી નારાજ થયેલા લોકોની માફી પણ માગી અને ચીનના લોકો તથા તેમના ઇતિહાસ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું. જોકે, માફી બાદ પણ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બતાવે છે કે વૈશ્વિક સ્તરે જાણીતા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં જાહેર નિવેદનો અને સોશિયલ મીડિયા પરની ટિપ્પણીઓ કેટલી મહત્વપૂર્ણ બની શકે છે. 

શું લાલિગાની મેચો પર પણ પડશે અસર?

વિવાદનો પડઘો ફૂટબોલ પ્રસારણ સુધી પહોંચ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ચીનના સરકારી ટેલિવિઝન CCTVએ લાલિગા અને એમ્બાપ્પે સાથે સંબંધિત મેચો તથા કાર્યક્રમોનું પ્રસારણ અટકાવ્યું હોવાનો અહેવાલ ‘ધ પેપર’ દ્વારા આપવામાં આવ્યો હતો. લાલિગાના પ્રમુખ જાવિયર તેબાસે પણ ચીનમાં થયેલી નારાજગી બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને ચીનના ભાગીદારો સાથે વાતચીત કરીને પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી. આમ, એક મીમ અંગેની કથિત મજાકથી શરૂ થયેલો વિવાદ હવે એમ્બાપ્પેની સ્પોન્સરશિપ, ચીનમાં તેમની લોકપ્રિયતા અને ફૂટબોલ પ્રસારણ સુધી પહોંચ્યો છે. 

આ પણ વાંચો: Football જગતમાં હેરી કેનનો ડંકો! બેલોન ડી'ઓર જીતી રચ્યો ઇતિહાસ