એશિયન ગેમ્સ 2026ના 14મા દિવસે ભારતને કુસ્તીના અખાડામાંથી યાદગાર સફળતા મળી.ભારતના સ્ટાર પહેલવાન અમન સેહરાવતે પુરુષોની 57 કિલો ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર સિદ્ધિ મેળવી છે.પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બ્રોન્ઝ મેડલ વિજેતા અમને રોમાંચક ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન હાન ચોંગ-સોંગને 11-7થી હરાવીને એશિયન ગેમ્સનું ગોલ્ડ પોતાના નામે કર્યું.ફાઇનલ મુકાબલો શરૂઆતથી જ બંને પહેલવાનો વચ્ચેની જોરદાર ટક્કરનો સાક્ષી રહ્યો હતો. અમને પોતાની ઝડપ અને ટેકનિકનો ઉપયોગ કરીને શરૂઆતમાં જ પ્રથમ પોઇન્ટ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ મુકાબલો વધુ રસપ્રદ બન્યો અને બંને ખેલાડીઓએ એકબીજા સામે સતત હુમલા કર્યા.
અંતિમ મિનિટમાં અમને આખી મેચ પલટી
મેચ દરમિયાન એક સમયે અમન સેહરાવતે 6-1ની લીડ મેળવી લીધી હતી.આ સમયે એવું લાગતું હતું કે ભારતીય પહેલવાન સરળતાથી ગોલ્ડ મેડલ તરફ આગળ વધી રહ્યો છે. જોકે હાન ચોંગ-સોંગે વાપસી કરતાં મેચને ફરી રોમાંચક બનાવી દીધી હતી.ઉત્તર કોરિયાના પહેલવાને સતત પોઇન્ટ મેળવીને સ્કોરમાં મોટો ફેરફાર કર્યો અને અમન પર દબાણ વધાર્યું. મેચમાં એક મિનિટ કરતાં પણ ઓછો સમય બાકી હતો ત્યારે અમને પોતાની જાતને સંભાળી અને જોરદાર વાપસી કરી.ભારતીય પહેલવાને અંતિમ ક્ષણોમાં હાન ચોંગ-સોંગને મેટ પર નિયંત્રિત કરીને મહત્વના પોઇન્ટ મેળવ્યા. અંતે સ્કોર 11-7 રહ્યો અને અમન સેહરાવતે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી લીધો.
https://x.com/OlympicKhel/status/2106319804957131111?s=20
એશિયન ગેમ્સમાં સતત બીજો મેડલ
અમન સેહરાવત માટે આ એશિયન ગેમ્સનો સતત બીજો મેડલ છે.અગાઉ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં તેણે આ જ 57 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.હવે નાગોયામાં તેણે પોતાના અગાઉના મેડલનો રંગ બદલીને ગોલ્ડમાં ફેરવી દીધો છે.આ સફળતા ભારતની ફ્રીસ્ટાઇલ કુસ્તી માટે પણ મહત્વપૂર્ણ છે. સુજીત કલકલના ગોલ્ડ બાદ આ એશિયન ગેમ્સમાં ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં ભારતનો બીજો સુવર્ણ ચંદ્રક છે.
બાળપણથી જ મુશ્કેલી ભર્યું રહ્યું
અમન સેહરાવતની સફળતાની કહાની તેની રમત જેટલી જ પ્રેરણાદાયક છે.16 જુલાઈ 2003ના રોજ હરિયાણાના ઝજ્જર જિલ્લાના બિરોહડ ગામમાં જન્મેલા અમને બાળપણથી જ કુસ્તી પ્રત્યે રસ હતો.2012ના લંડન ઓલિમ્પિક્સમાં સુશીલ કુમારે જીતેલા સિલ્વર મેડલથી પ્રેરાઈને અમન માત્ર 10 વર્ષની ઉંમરે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ પહોંચ્યો હતો. જોકે થોડા સમય બાદ તેના જીવનમાં મોટો આઘાત આવ્યો.જ્યારે અમન માત્ર 11 વર્ષનો હતો ત્યારે તેણે પોતાના માતા-પિતાને ગુમાવ્યા. ત્યારબાદ તેના કાકા સુધીર અને પરિવારે અમન તથા તેની નાની બહેન પૂજાની જવાબદારી સંભાળી.માતા-પિતાને ગુમાવ્યા બાદ અમન માટે સમય સરળ રહ્યો નહોતો. પરંતુ તેણે પોતાની મુશ્કેલીઓને પોતાની રમત માટેની પ્રેરણામાં ફેરવી નાખી. છત્રસાલ સ્ટેડિયમમાં કોચ લલિત કુમારના માર્ગદર્શન હેઠળ તેણે કુસ્તીની તાલીમ ચાલુ રાખી.આજે એ જ અમન સેહરાવત ભારત માટે એક પછી એક મોટી સિદ્ધિઓ મેળવી રહ્યો છે. પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ બાદ હવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પોતાની ઓળખ વધુ મજબૂત કરી છે.
આ પણ વાંચો - Asian Games 2026 Medal Tally : ભારતનો જલવો! મેડલ ટેલીમાં ભારત 77 મેડલ સાથે કયા સ્થાને