ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ની જાણીતી ક્લબ આર્સેનલ રીઅલ મેડ્રિડના સ્ટાર બ્રાઝિલિયન ફોરવર્ડ વિનિસિયસ જુનિયરને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટો દાવ ખેલી રહી છે. મિકેલ આર્ટેટાના નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલાક સમયથી સતત મજબૂત પ્રદર્શન કરી રહેલી આર્સેનલ વિનિસિયસને માત્ર સામાન્ય ફોરવર્ડ તરીકે નહીં, પરંતુ પોતાના મુખ્ય 'માર્કી સાઇનિંગ' (મુખ્ય ખેલાડી) તરીકે જોઈ રહી છે.

કરારનો વિવાદ અને આર્સેનલની ઓફર

વિનિસિયસ જુનિયરનો રીઅલ મેડ્રિડ સાથેનો વર્તમાન કરાર જૂન 2027માં પૂર્ણ થઈ રહ્યો છે. બંને વચ્ચે નવા કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ પગાર અને ઇમેજ રાઇટ્સ (Image Rights) મુદ્દે અંતર જોવા મળી રહ્યું છે.  વિનિસિયસની માંગ છે કે તેને વાર્ષિક આશરે 30 મિલિયન યુરો (આશરે ₹329 કરોડ). ક્લબ પોતાની ઓફર 20 મિલિયન યુરોથી વધારીને 22 મિલિયન યુરો કરવા તૈયાર છે, છતાં પણ માંગ અને ઓફર વચ્ચે 8 મિલિયન યુરોનું અંતર છે. UOL એસ્પોર્ટના અહેવાલ મુજબ, આર્સેનલ વિનિસિયસને વાર્ષિક 24 મિલિયન યુરો (આશરે €263 કરોડ) નો પગાર આપવા તૈયાર છે. જોકે આ રકમ વિનિસિયસની માંગ કરતા ઓછી છે, પરંતુ આર્સેનલ તેને ઇમેજ રાઇટ્સ પર 100% અધિકાર આપવા સંમત થઈ છે. આ જ શરત આ સોદાને વિનિસિયસ માટે ખૂબ આકર્ષક બનાવી શકે છે.

લાંબા ગાળાની રણનીતિ અને રીઅલ મેડ્રિડ પર દબાણ

આર્સેનલની યોજના માત્ર વર્તમાન ટ્રાન્સફર વિન્ડો સુધી મર્યાદિત નથી. જો આ ઉનાળામાં કરાર શક્ય ન બને, તો ક્લબ 2027 સુધી રાહ જોવા પણ તૈયાર છે. જો વિનિસિયસ 2027 સુધી નવો કરાર ન કરે, તો આર્સેનલ તેને ફ્રી ટ્રાન્સફર (કોઈપણ ટ્રાન્સફર ફી વગર) દ્વારા ટીમમાં સામેલ કરી શકે છે. આ પરિસ્થિતિ રીઅલ મેડ્રિડ પર ભારે દબાણ ઊભું કરે છે.

રીઅલ મેડ્રિડનું વલણ

જોકે, રીઅલ મેડ્રિડ પોતાના આ સ્ટાર ખેલાડીને સરળતાથી જવા દેવા માંગતું નથી. મીડિયા અહેવાલ મુજબ, ખેલાડીના પ્રતિનિધિઓ અને રીઅલ મેડ્રિડ વચ્ચે તાજેતરમાં થયેલી વાટાઘાટો સકારાત્મક રહી છે. રીઅલ મેડ્રિડે પોતાની ઓફરમાં સુધારો કર્યો છે, જેના કારણે વિનિસિયસનો કેમ્પ નવો કરાર થવાની બાબતે આશાવાદી છે. જો આર્સેનલ વિનિસિયસને પોતાની સાથે જોડવામાં સફળ રહે છે, તો આ ટ્રાન્સફર યુરોપિયન ફૂટબોલના ઇતિહાસમાં સૌથી મોટા અને ચર્ચિત સોદાઓમાંથી એક સાબિત થશે.


આ પણ વાંચો : Neeraj Chopra ડાયમંડ લીગમાં મળશે જોવા, અરશદ નદીમ અને રૂમેશ પથિરાગેનો કરશે સામનો