ક્રિકેટ વિવેચકો અનુસાર આ વખતે એશિયા કપ 2025 અન્ય ટુર્નામેન્ટ કરતા અલગ સાબિત થઈ શકે કે કેમકે આ વખતે ટુર્નામેન્ટ દરમિયાન સ્પિનરોની ભૂમિકા ખુબજ ખાસ રહી શકે છે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્પિનરોનો દબદબો વધારે રહી શકે છે. એવામાં જો આ વાત સત્ય સાબિત થાય છે તો ભારતે આ ટુર્નામેન્ટમાં મુખ્ય 4 ખેલાડી પર ચાંપતી નજર રાખવી પડશે.
પહેલી નજર રાશિદ ખાન પર
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી અને સૌથી સફળ કેપ્ટન એવો રાશિદ ખાન જેના પર ભારતીય ટીમની ચાંપતી નજર રહેવાની છે. આ સ્ટાર ખેલાડીનો પાછલા થોડા સમયનો રેકોર્ડ કદાચ આ ખેલાડીની રમત મુજબનો નથી રહ્યો પરંતુ આ સ્ટાર ખેલાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ખેલાડી જો ફોર્મમાં આવી જાય અને તેની લય પકડી લે તો રમત પલટવા માટે એકલો સક્ષમ માની શકાય છે. આ ખેલાડી બોલની સાથે બેટિંગમાં પણ કમાલ કરવાની તાકાત ધરાવે છે.
બીજી નજર નૂર અહેમદ પર
'જેવા ગુરુ એવા ચેલા' આ કહેવતને ખરા અર્થમાં કોઈ ખેલાડીએ ચરિતાર્થ કરી હોય તો એ ખેલાડીનું નામ છે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી નૂર અહેમદ. આ ખેલાડી રાશિદ ખાનને તેના માસ્ટર એટલે કે ગુરુ માને છે. આ સ્પિનર ખલાડી પર નજર રાખવી એટલા માટે જરૂરી છે કેમકે આ ખેલાડીની ઝડપી સ્પિન બોલિંગ સ્ટાઈલ ખરા અર્થમાં મોટા મોટા ખેલાડીઓને ચકમો આપી શકે છે.
ત્રીજી નજર મોહમ્મદ નવાઝ પર
એશિયા કપ 2025ની ટુર્નામેન્ટમાં આમતો આખે આખી પાકિસ્તાની ટીમ પર ભારતીય ખેલાડીઓની બાજ નજર રહેવાની છે પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક સ્પિનર મોહમ્મદ નવાઝ પર ટીમ ચોક્કસ નજર રાખશે એ વાત નક્કી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ડાબા હાથનો આ સ્પિનર પાછલા ઘણા સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. મેચની અંતિમ પળોમાં આ ખેલાડી સારી બોલિંગ કરવા માટે જાણીતો છે.
ચોથી નજર અબરાર અહેમદ પર
ક્રિકેટ વિવેચકોના મત મુજબ ભારતીય ક્રિકેટ ટીમની અંતિમ નજર જે પાકિસ્તાની સ્પિનર ખેલાડી પર રહી શકે છે એ ખેલાડીનું નામ છે અબરાર અહેમદ. આ ખેલાડીને તેના બોલિંગ અંદાઝથી એક રહસ્યમય સ્પિનર માનવામાં આવે છે. અબરાર અહેમદને વર્તમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી સફળ બોલરો માંથી એક માનવામાં આવે છે. આ ખેલાડીએ ત્રિકોણીય શ્રેણીમાં ફક્ત 2 મેચ રમી અને 6 વિકેટ લીધી હતી.