ભારતની આ ઐતિહાસિક જીતમાં દીપિકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બે શાનદાર ગોલ કરીને ટીમને જીત અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. જ્યારે ઇશિકાએ પણ એક ગોલ કરીને ભારતની જીતને વધુ મજબૂત બનાવી હતી.
દીપિકાએ બીજા હાફમાં બે ગોલ કરીને પલટાવી મેચ
ભોપાલના ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026ની ફાઇનલ મેચમાં ચીને શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી અને ભારતીય ડિફેન્સ પર દબાણ બનાવ્યું હતું. મેચની 25મી મિનિટે ચેન યુજુને ગોલ કરીને ચીનને 1-0ની સરસાઈ અપાવી હતી. પ્રથમ હાફમાં ભારતીય ટીમ ચીનના મજબૂત ડિફેન્સ સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી.
https://x.com/TheHockeyIndia/status/2126700977088835761?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2126700977088835761%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
જોકે, બીજા હાફમાં ભારતીય ટીમે આક્રમક વલણ અપનાવીને શાનદાર વાપસી કરી હતી. મેચની 38મી મિનિટે દીપિકાએ પેનલ્ટી કોર્નર પર સુંદર ગોલ કરીને ભારતને 1-1ની બરાબરી અપાવી હતી.
ત્યારબાદ 42મી મિનિટે ઇશિકાએ શાનદાર તાલમેલ સાથે ગોલ કર્યો હતો. નેહા ગોયલ અને નવનીત કૌરના સરસ પાસની મદદથી ઇશિકાએ બોલને ગોલપોસ્ટમાં પહોંચાડ્યો હતો અને ભારતને 2-1ની સરસાઈ અપાવી હતી.
આ ગોલના એક મિનિટ બાદ જ એટલે કે 43મી મિનિટે દીપિકાએ ફરી કમાલ કરી હતી. તેણે પેનલ્ટી કોર્નર પર ચોક્કસ ફ્લિક વડે પોતાનો બીજો ગોલ કર્યો હતો અને ભારતની સરસાઈ 3-1 કરી હતી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ મજબૂત ડિફેન્સના સહારે ચીનને વાપસી કરવાની કોઈ તક આપી નહોતી અને શાનદાર જીત સાથે ટ્રોફી પોતાના નામે કરી હતી.
ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી ભારતે જીત્યો ખિતાબ
ભારતીય મહિલા હોકી ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક પણ મેચમાં હાર્યા વિના ખિતાબ જીત્યો હતો. ફાઇનલ પહેલાં રાઉન્ડ રોબિન તબક્કામાં પણ ભારતે ચીનને 6-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં ફરી ચીનને હરાવી ભારતીય ટીમે પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી.
આ પહેલાં ભારતીય ટીમે 2023માં રાંચી અને 2024માં રાજગીર ખાતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે 2026માં સતત ત્રીજી વખત ટ્રોફી જીતીને ભારતે ટૂર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
ભારતની આ જીતમાં દીપિકાનું યોગદાન ખાસ રહ્યું હતું. તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ 10 ગોલ કર્યા હતા અને સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી બની હતી. તેના 10 ગોલમાંથી 9 ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા અને એક ગોલ મેદાન પરની રમત દરમિયાન થયો હતો. ભારતીય મહિલા ટીમની આ ઐતિહાસિક જીતથી દેશભરમાં ખુશીની લાગણી છવાઈ છે.