Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની લોંગ જમ્પની રોમાંચક ફાઇનલમાં ભારતીય નેશનલ રેકોર્ડ હોલ્ડર એન્સી સોજને 6.53 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ માટેનો મુકાબલો ખૂબ જ નજીકનો રહ્યો હતો. માત્ર 0.02 મીટર એટલે કે 2 સેન્ટિમીટરના અંતરથી ગોલ્ડનો નિર્ણય થયો. એન્સી સોજન પહેલા રાઉન્ડથી જ આગળ ચાલી રહી હતી. જોકે ચીનની યિંગયિંગ હુઆંગે પોતાની છેલ્લી કોશિશમાં 6.55 મીટરની છલાંગ લગાવીને બાજી પલટી નાખી અને ગોલ્ડ મેડલ જીતી લીધો. ચીનની મેંગયી તાને 6.46 મીટરની છલાંગ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.

પિતા ઓટો ચલાવતા હતા, દીકરીએ જીત્યો સિલ્વર

1 માર્ચ 2001ના રોજ કેરળના ત્રિશૂર જિલ્લાના નત્તિકા ગામમાં જન્મેલી 25 વર્ષની એન્સી સોજનની સફર સંઘર્ષ અને હિંમતથી ભરેલી છે. એન્સી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ઓટો-રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બાળપણમાં જ્યારે ગામમાં આધુનિક ટ્રેક અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ નહોતી, ત્યારે તેમના પિતા તેમને ગામના દરિયાકિનારે લઈ જતા હતા. એન્સીએ દરિયાકિનારાની ઢીલી રેતી પર કૂદકા લગાવીને લોંગ જમ્પની શરૂઆતની ટ્રેનિંગ મેળવી હતી.

2024માં ભારતીય નૌસેનામાં જોડાઈ

પોતાની રમતની પ્રતિભાના આધારે એન્સી સોજન વર્ષ 2024માં સ્પોર્ટ્સ કોટા દ્વારા ભારતીય નૌસેનામાં જોડાઈ હતી. હાલમાં તેઓ ચીફ પેટી ઓફિસરના પદ પર દેશની સેવા કરી રહી છે. એન્સી સોજને આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલીવાર 6.63 મીટરની છલાંગ લગાવીને મોટી ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેમણે સતત પોડિયમ ફિનિશ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી. તેમણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં સિલ્વર મેડલ અને 2026ની શરૂઆતમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પરિણામોથી તેમની શાનદાર ફોર્મનો સંકેત મળી ગયો હતો.

6.88 મીટરની છલાંગથી નેશનલ રેકોર્ડ

આ સિઝનમાં નેશનલ ફેડરેશન કપમાં એન્સી સોજને 6.75 મીટરની છલાંગ સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સુધાર્યું હતું. ત્યારબાદ તેમણે સીધી 6.88 મીટરની ઐતિહાસિક છલાંગ લગાવીને ભારતનો નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન ગેમ્સમાં એન્સી સોજનનો આ સતત બીજો સિલ્વર મેડલ છે. અગાઉની એશિયન ગેમ્સમાં પણ તેઓ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. હવે નાગોયામાં 6.53 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ જીતીને એન્સી સોજને ફરી એકવાર એશિયન સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. 

આ પણ વાંચો: Asian gamesમાં હાર બાદ પીવી સિંધુ નારાજ, 24 કલાકમાં 3 મેચ રમાડાતા શેડ્યૂલ સામે સવાલ