એશિયન ગેમ્સ 2026 હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી 16 દિવસની આ મોટી રમતોત્સવની આજે ભવ્ય ક્લોઝિંગ સેરેમની સાથે સત્તાવાર રીતે સમાપ્તિ થશે.સમાપન સમારોહ નાગોયાના નાગોયા સિટી મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં યોજાશે.સેરેમની સાંજે 6 વાગ્યે શરૂ થવાની છે

નાગોયામાં થશે એશિયન ગેમ્સનું સમાપન

આઇચી-નાગોયા એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી યોજાઈ હતી. 43 રમતો અને 469 ઇવેન્ટ્સ ધરાવતી આ સ્પર્ધામાં સમગ્ર એશિયાના ખેલાડીઓએ ભાગ લીધો. હવે બે અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલી રમતગમતની આ ઉજવણીનો અંત સમાપન સમારોહ સાથે થશે.ક્લોઝિંગ સેરેમની માટે મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર સમાપન સમારોહ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને આશરે 7:30 વાગ્યે પૂર્ણ થવાની યોજના છે

નીરુ ધાંડા ભારતની ધ્વજવાહક

ક્લોઝિંગ સેરેમનીમાં ભારત તરફથી ખાસ ક્ષણ જોવા મળશે. શૂટિંગ સ્ટાર નીરુ ધાંડાને ભારતીય દળની મહિલા ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવી છે. તેમણે એશિયન ગેમ્સ 2026માં શૂટિંગમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સફળતા બાદ તેમને સમાપન સમારોહમાં તિરંગો લઈ ભારતીય દળનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. નીરુ ધાંડા આ સન્માન માટે ફરી જાપાન પરત ફર્યા છે. ગેમ્સ દરમિયાન મેડલ જીત્યા બાદ તેઓ ભારત પરત આવ્યા હતા, પરંતુ ક્લોઝિંગ સેરેમનીમાં ધ્વજવાહક બનવા માટે તેમને નાગોયા પાછા બોલાવવામાં આવ્યા

રંગારંગ કાર્યક્રમોથી સજાશે સમાપન સમારોહ

ક્લોઝિંગ સેરેમનીમાં ખેલાડીઓ અને અધિકારીઓની હાજરી સાથે વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમો યોજાશે. સત્તાવાર કાર્યક્રમ મુજબ સમાપન સમારોહ પહેલાં સાંજે 4 વાગ્યાથી વોર્મ-અપ સ્ટેજ શરૂ થશે. તેમાં જાપાનના વિવિધ કલાકારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓની પરેડ સહિત એશિયન ગેમ્સની પરંપરાગત વિદાયવિધિઓ યોજાશે. આ સાથે 2026ની ગેમ્સની સત્તાવાર સમાપ્તિ જાહેર કરવામાં આવશે.

ભારત માટે યાદગાર રહ્યું એશિયન ગેમ્સ 2026

ભારતીય દળ માટે આ એશિયન ગેમ્સ ઘણી યાદગાર રહી.ખાસ કરીને ગેમ્સના અંતિમ દિવસોમાં ભારતે અનેક રમતોમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરી. ભારતીય પુરુષ હોકી ટીમે મલેશિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે સ્થાન પણ મેળવ્યું.ક્રિકેટમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને સતત બીજી વખત એશિયન ગેમ્સનું ગોલ્ડ મેડલ જીત્યું. અભિષેક શર્મા અને તિલક વર્માના શાનદાર પ્રદર્શનથી ભારતે ફાઇનલમાં જીત મેળવી.આ રીતે અનેક યાદગાર જીત, રેકોર્ડ અને ઐતિહાસિક પ્રદર્શન બાદ હવે નાગોયામાં એશિયન ગેમ્સ 2026ને વિદાય આપવામાં આવશે. ભારત સહિત સમગ્ર એશિયાના ખેલાડીઓ માટે આ સમાપન સમારોહ એક યાદગાર ક્ષણ બની રહેશે.

આ પણ વાંચો - India vs Brazil: કોલકાતામાં ઈતિહાસ તો બન્યો, પણ જીત ન મળી, બ્રાઝિલે ભારતને 4-0થી હરાવ્યું