હાલમાં ભારતીય ખેલાડીઓ એશિયન ટીમ 2026 રમવા માટે જાપાન પહોંચી છે. જ્યાં ખેલાડીઓને રહેવા, ખાવા-પીવા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોના ખેલાડીઓ પણ પોતાના રૂમની ફાળવણી માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.

પાણી અને ભીજન માટે ભારે અવ્યવસ્થા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય શૂટિંગ ટીમ સવારે લગભગ 9 વાગ્યે જાપાની શહેર આઈચી-નાગોયા પહોંચી હતી. જો કે, ખેલાડીઓને રહેવા માટેની વ્યવસ્થા મળતા રાત્રિના લગભગ 2 વાગી ગયા હતા. આ દરમિયાન ખેલાડીઓએ વેરિફિકેશન સેન્ટર પર લાંબો સમય રાહ જોવી પડી હતી. ખાસ વાત એ હતી કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમને પીવા માટે પાણી કે ખાવા માટે ભોજન પણ ઉપલબ્ધ થયું નહોતું. સમસ્યા અહીં પૂરી થઈ નહોતી. એક હોટેલમાં રૂમની સંખ્યા ઓછી પડતાં ભારતીય શૂટિંગ ટીમના સભ્યોને બે અલગ-અલગ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે ટીમના ખેલાડીઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં વિવિધ દેશોના ખેલાડીઓ લાંબા સમય સુધી રાહ જોતા તેમજ જમીન પર આરામ કરતા જોવા મળ્યા છે.

https://twitter.com/TheKhelIndia/status/2100434449104343192

અલગ-અલગ હોટેલોમાં વિભાજન

એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે, જ્યારે ખેલાડીઓ માટે અલગથી ડેડિકેટેડ ગેમ્સ વિલેજ તૈયાર કરવામાં આવ્યું નથી. ખર્ચ ઘટાડવાના હેતુથી એશિયન ગેમ્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ આ પ્રકારની વ્યવસ્થા પસંદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ગેમ્સ વિલેજ ન હોવાને કારણે ખેલાડીઓ માટે હોટેલ્સ ઉપરાંત ક્રૂઝ શિપ અને શિપિંગ કન્ટેનર જેવી અસ્થાયી લાકડાની કોટેજમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

https://twitter.com/arunpudur/status/2100556168016109725

શૂટિંગમાં ભારતનો શાનદાર ઇતિહાસ

શૂટિંગ ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રમત રહી છે. અત્યાર સુધી એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય શૂટર્સે દેશને કુલ 80 મેડલ અપાવ્યા છે. વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને કુલ 22 મેડલ જીત્યા હતા.

ભારતની મજબૂત ટીમ

આ વખતે જાપાનમાં ભારત તરફથી 30 સભ્યોની મજબૂત શૂટિંગ ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમમાં પેરિસ ઓલિમ્પિકની સ્ટાર શૂટર મનુ ભાકર સહિત અનેક અનુભવી અને જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં સામે આવેલી આ મુશ્કેલીઓ પાછળ છોડીને ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશ માટે મેડલ જીતે તેવી આશા છે.