એશિયન ગેમ્સ 2026ની શરૂઆત સાથે જ આયોજન અને વ્યવસ્થાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. હવે ભારતીય રોઇંગ ટીમ સાથે જોડાયેલો એક નવો વિવાદ સામે આવ્યો છે. ભારતીય રોઅર્સે તેમના રોઇંગ ઈવેન્ટ શરૂ થવાના થોડા સમય પહેલાં ટીમ મેનેજમેન્ટના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. ખેલાડીઓનું કહેવું છે કે સ્પર્ધાના માત્ર 2 દિવસ પહેલાં તેમને એક ઈવેન્ટમાંથી બીજા ઈવેન્ટમાં ખસેડવામાં આવ્યા છે. આ નિર્ણયથી નારાજ કેટલાક રોઅર્સે હડતાળની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.

રોઇંગની સ્પર્ધામાં મોટો વિવાદ

રોઇંગ સ્પર્ધા અગાઉ 20 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી યોજાવાની હતી. જોકે, ટાઇફૂન ડુજુઆનના ખતરાને કારણે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો અને હવે રોઇંગની સ્પર્ધા 23 અને 24 સપ્ટેમ્બરે પૂર્ણ કરવાની છે. સમય ઓછો થતાં તમામ ક્વોલિફાઇંગ રેસ પ્રથમ દિવસે અને ફાઇનલ બીજા દિવસે યોજાશે. આ ફેરફારમાં સેમિફાઇનલનો તબક્કો પણ હટાવી દેવામાં આવ્યો છે.આ બદલાયેલા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટે રોઇંગ ટીમની એન્ટ્રીમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, નવદીપ સિંહ અને કુલવિંદર સિંહને મેન્સ ડબલ સ્કલ્સમાંથી ક્વાડ્રપલ સ્કલ્સમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે સલમાન અને સતનામને ક્વાડ્રપલ સ્કલ્સમાંથી ડબલ સ્કલ્સમાં ખસેડવામાં આવ્યા છે.

અરવિંદ સિંહને સિંગલ સ્કલ્સમાંથી બહાર

બલરાજ પંવારને ક્વાડ્રપલ સ્કલ્સમાંથી સિંગલ સ્કલ્સમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ અરવિંદ સિંહને સિંગલ સ્કલ્સમાંથી બહાર કરીને ક્વાડ્રપલ સ્કલ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. વિપુલ ઘુર્ડેને મેન્સ પેરમાંથી કોક્સલેસ ફોરમાં ખસેડવામાં આવ્યા છે. રિઝર્વ ખેલાડી સૌરવ કુમારને ઈવેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ રિઝર્વ રહેલા જસમેલ સિંહને કોક્સલેસ ફોરમાં સ્થાન આપવામાં આવ્યું છે.આ ઉપરાંત નિતિન કુમાર અને જસવિંદર સિંહને કોક્સલેસ ફોરમાંથી મેન્સ પેરમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ ફેરફારોથી ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ખેલાડીઓની મુશ્કેલી વધી

રોઇંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ ફેરફારો પાછળનો તર્ક પણ રજૂ કર્યો છે. ફેડરેશનના જણાવ્યા મુજબ,સ્પર્ધાના દિવસો ઘટી જતાં ખેલાડીઓ માટે અગાઉ નક્કી કરાયેલા તમામ ઈવેન્ટમાં ભાગ લેવો મુશ્કેલ બની શકે છે. રોઇંગ શારીરિક રીતે ખૂબ થકવી નાખતી રમત હોવાથી ઓછા સમયમાં ઘણી રેસ યોજવી ખેલાડીઓ માટે પડકારરૂપ બની શકે છે. તેથી મેડલ જીતવાની શક્યતા વધારવા માટે એન્ટ્રીમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું ફેડરેશનનું કહેવું છે.

રોઇંગમાં સ્પર્ધા  માત્ર 2 દિવસમાં બદલાઈ 

જોકે,કેટલાક ભારતીય રોઅર્સ આ નિર્ણયથી સહમત નથી.એક રોઅરે નામ જાહેર ન કરવાની શરતે સ્પોર્ટસ્ટારને જણાવ્યું કે રોઇંગમાં ખેલાડીઓ વચ્ચેનું સંકલન ખૂબ મહત્વનું હોય છે. ખેલાડીઓ છેલ્લા 6 મહિનાથી રાષ્ટ્રીય કેમ્પમાં પોતાના નિર્ધારિત ઈવેન્ટ માટે તૈયારી કરી રહ્યા છે.આવી સ્થિતિમાં સ્પર્ધાના માત્ર 2 દિવસ પહેલાં ઈવેન્ટ બદલવાથી તેમની તૈયારી પર અસર થઈ શકે છે.ખેલાડીઓનું કહેવું છે કે તેઓ જે ઈવેન્ટ માટે લાંબા સમયથી તાલીમ લઈ રહ્યા છે, તેમાં જ ભાગ લેવા માંગે છે. જો વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતીય રોઇંગ ટીમ દ્વારા વિરોધનું પગલું લેવામાં આવી શકે છે.જો રોઅર્સ ખરેખર હડતાળ પર જાય છે,તો એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ એક અસામાન્ય ઘટના બની શકે છે.

આ પણ વાંચો - Asian Games Day-3 Schedule : ત્રીજા દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ થશે? ક્રિકેટ અને શૂટિંગ સહિતની આ રમતોમાં ભારતને આશા