આઈચી-નાગોયા (જાપાન) ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટિંગ ટીમે શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. શુક્રવારે ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને નીરજ કુમારની ત્રિપુટીએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

ચીન સામે કડક ટક્કર, સિલ્વર મેડલથી સંતોષ

મેડલ માટેની રોમાંચક રેસમાં ભારતીય ટીમે કુલ 1762-94x નો સ્કોર કર્યો હતો. ગોલ્ડ મેડલ વિજેતા ચીને 1766-95x નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે દક્ષિણ કોરિયા (1751-87x) ની ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

ચેમ્પિયનશિપનો મુકાબલો: વર્ષ 2022ની એશિયન ગેમ્સમાં ભારતે આ જ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ આ વખતે ચીને નજીવા તફાવતથી ભારતને પાછળ છોડીને ગોલ્ડ પર કબ્જો કર્યો છે.

વ્યક્તિગત ફાઇનલ પર નજર

ટીમ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ હવે ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર અને નીરજ કુમાર પાસેથી વધુ એક મેડલની આશા છે. આ બંને શૂટર્સ આજે બાદમાં યોજાનારી પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સની વ્યક્તિગત ફાઇનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

એશિયન ગેમ્સ 2026 માં ભારતનો મેડલ ટેલી

આ સિલ્વર મેડલની સાથે એશિયન ગેમ્સ 2026 માં ભારતનો કુલ મેડલ આંકડો 18 પર પહોંચી ગયો છે.  ભારતે એશિયન ગેમ્સમાં ક્રિકેટ રમતમાં શ્રીલંકા સામે ગોલ્ડ મેડલ મેચમાં મોટી જીત મેળવી હતી. જયારે આજે  મિક્સ્ડ ટીમ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કમલજીત અને સુરુચિની જોડીએ શાનદાર પ્રદર્શન કરીને ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો. એશિયન ગેમ્સના 6ઠ્ઠા દિવસે ભારતની ગોલ્ડ જીતવા સાથે સારી શરૂઆત થઈ. દિવસ દરમિયાન વધુ મેડલ ખાતામાં આવશે તે રમતવીરોનું પ્રદર્શન બતાવે છે.