એશિયન ગેમ્સ 2026ના 6ઠ્ઠા દિવસે ભારત માટે બે મોટી ખુશખબરી આવી છે. સ્ક્વોશમાં અનુભવી ખેલાડી જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારે શાનદાર જીત મેળવીને ભારતનો મેડલ પાક્કો કર્યો છે. બીજી તરફ ટેબલ ટેનિસના મિક્સ્ડ ડબલ્સમાં માનુષ શાહ અને દિયા ચિતાલે સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ભારતનો મેડલ નિશ્ચિત કર્યો છે.

40 વર્ષની ઉંમરે જોશનાનો શાનદાર રેકોર્ડ

સ્ક્વોશમાં જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારની ભારતીય જોડીએ ફિલિપાઇન્સની જોડી સામે 2-0થી જીત મેળવી હતી. આ જીત સાથે એશિયન ગેમ્સ 2026માં સ્ક્વોશમાં ભારતનો પ્રથમ મેડલ નિશ્ચિત થયો છે.જોશના માટે આ સફળતા ખાસ છે. 40 વર્ષની ઉંમરે પણ તેઓ એશિયન ગેમ્સમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. 2010માં પ્રથમ વખત એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા બાદ તેમણે 2014, 2018 અને 2022માં પણ મેડલ મેળવ્યા હતા. 2026માં મેડલ પાક્કો કરીને તેમણે સતત 5મી એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. હવે નજર તેમના મેડલના રંગ પર રહેશે. જોશના એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થાય છે કે નહીં તે જોવાનું રહેશે.

https://x.com/Media_SAI/status/2103312566491701514?s=20


ટેબલ ટેનિસમાં પણ ભારતનો મેડલ પાક્કો

છઠ્ઠા દિવસે ટેબલ ટેનિસમાં પણ ભારતને મોટી સફળતા મળી. મિક્સ્ડ ડબલ્સના ક્વાર્ટરફાઇનલમાં ભારતની બે જોડીઓ મેદાનમાં ઉતરી હતી.હરમીત દેસાઈ અને યશસ્વિની ઘોરપડેની જોડીને તાઇવાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, માનુષ શાહ અને દિયા ચિતાલે શાનદાર રમત બતાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.ભારતીય જોડીએ હોંગકોંગની વિશ્વમાં ચોથા ક્રમાંકિત જોડીને 3-1થી હરાવી હતી. મેચનો સ્કોર 11-6, 13-15, 11-9, 11-5 રહ્યો હતો.આ જીત સાથે એશિયન ગેમ્સના ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં ભારતનો મેડલ નિશ્ચિત થયો છે. આ ઇવેન્ટમાં ભારતને અગાઉ 2018માં મેડલ મળ્યો હતો. એટલે 2026માં મળનારો મેડલ આ ઇવેન્ટમાં ભારતનો માત્ર બીજો એશિયન ગેમ્સ મેડલ હશે.

ભારત માટે મેડલની વધુ આશા

એશિયન ગેમ્સમાં શૂટિંગ, હોકી, કુસ્તી, બોક્સિંગ અને વેઇટલિફ્ટિંગ જેવી રમતોમાંથી ભારતને મેડલની અપેક્ષા રહેતી હોય છે. જોકે, સ્ક્વોશ અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં મળેલી આ સફળતા પણ ભારતીય દળ માટે મહત્વપૂર્ણ છે.જોશના ચિનપ્પાની સતત પાંચમી એશિયન ગેમ્સમાં મેડલની સિદ્ધિ અને માનુષ શાહ-દિયા ચિતાલેની મિક્સ્ડ ડબલ્સમાં સેમિફાઇનલ એ ભારતના અભિયાનની બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ બની છે.

આ પણ વાંચો - Asian Games Medal Tally 2026 : ભારતના ખાતામાં 19 મેડલ,જાણો મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને