શુક્રવારે એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ યોજવાનો છે. જેના માટે ભારતના ધ્વજવાહક તરીકે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને વર્તમાન શૉટ પુટ ચેમ્પિયન તેજિન્દરપાલ સિંહ તૂરના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ સમારોહ આવતીકાલે શનિવારે યોજાવાનો છે. ભારતના 'શેફ-ડી-મિશન' સહદેવ યાદવે જણાવ્યું હતું કે, મનુ ભાકર ધ્વજવાહકોમાંના એક હશે.
મનુ સાથે તૂર ધ્વજવાહકની ભૂમિકામાં
એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પુષ્ટિ કરી હતી કે તૂર બીજા ધ્વજવાહક બનશે. મનુ ભાકરે વર્ષ 2024ના પેરીસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો હતો, અને તે સ્વતંત્ર ભારતની એવી પહેલી એથલીટ બની હતી કે, જેણે ઓલિમ્પિક રમતોના એક જ સંસ્કરણમાં બે મેડલ જીત્યા હતા. જ્યારે તૂરે એશિયન ગેમ્સના છેલ્લા બે સંસ્કરણોમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
https://twitter.com/DDIndialive/status/2100837815793914047
જાપાનમાં 20મી એશિયન ગેમ્સ
એશિયન ગેમ્સ એશિયાનું સૌથી મોટું ખેલ આયોજન છે, જે દર ચાર વર્ષમાં એક વખત યોજાય છે. આ સ્પર્ધાઓનું આયોજન 'ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા' (OCA) કરે છે. આગામી રમતોમાં 45 દેશો અને ક્ષેત્રોના ખેલાડીઓ 43 રમતોમાં ભાગ લેશે. આ રમતોનું 20મું સંસ્કરણ હશે અને ત્રીજી વખત એવું બનશે કે જ્યારે જાપાન આ મોટા મહાદ્વીપીય આયોજનની યજમાની કરી રહ્યું છે. આ અગાઉ જાપાને વર્ષ 1958 માં ટોક્યો અને વર્ષ 1994 માં હીરોશિમામાં યજમાની કરી હતી.
રેકોર્ડ સુધારવા ભારતની નજર
ભારત આ મહાદ્વીપીય આયોજનમાં હાંગઝોઉ 2023 ના પોતાના રેકોર્ડ તોડ પ્રદર્શનથી પણ વધુ સારું પ્રદર્શન કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે, જ્યાં તેણે 28 ગોલ્ડ મેડલ સહિત કુલ 107 મેડલ જીત્યા હતા. ભારત પુરુષ અને મહિલા ક્રિકેટ તેમજ કબડ્ડી બંનેમાં વર્તમાન ચેમ્પિયન છે, જ્યારે પુરુષ હૉકી ટીમ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરી રહી છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં ભારતની પડકારરૂપ આગેવાની કરશે, જ્યારે મીરાબાઈ ચાનુ વેઇટલિફ્ટિંગ ટીમનું નેતૃત્વ કરશે. શૂટિંગમાં મનુ ભાકર દેશના અગ્રણી નામોમાં સામેલ હશે, અને અમાન સહરાવત રેસલિંગમાં પોતાના દાવ-પેચ અજમાવશે. આ ઉપરાંત, લવલીના બોરગોહેન બૉક્સિંગમાં પોતાનું કૌશલ્ય બતાવશે.
75થી વધુ ભારતીય એથ્લીટ્સ ભાગ લેશે
એથલેટિક્સમાં 75 થી વધુ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ્સ ભાગ લેશે, જેમાં ગુલવીર સિંહ, તેજસ્વિન શંકર, મુરલી શ્રીશંકર, જ્યોતિ યારાજી અને પારુલ ચૌધરી જેવા ખેલાડીઓ સામેલ છે, જેમના પાસેથી મેડલ જીતવાની પ્રબળ આશા છે. શૉટ પુટમાં તેજિન્દરપાલ સિંહ તૂર બે વખતનાં વર્તમાન ચેમ્પિયન તરીકે આઇચી-નાગોયા પહોંચી રહ્યો છે. આ ઉપરાંત આર્ચરી, સેલિંગ, સ્કવોશ, સર્ફિંગ અને ટેનિસમાં ઓલિમ્પિક કોટા મેળવવાની પણ ઉત્તમ તક રહેશે.