જાપાનના નાગોયામાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026 દરમિયાન ભારતીય ટીમ સાથે વ્યવસ્થાપનને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે.મીડિયા રિપોર્ટ અનુસાર રમતગમતના ગામ તરીકે ઉપયોગમાં લેવાઈ રહેલા ક્રૂઝ શિપમાં ભારતીય મહિલા જિમ્નાસ્ટ પ્રણતિ નાયક અને જિમ્નાસ્ટિક કોચ અશોક મિશ્રાને એક જ રૂમ ફાળવવામાં આવ્યો હતો.આ રૂમ ફાળવણીની જાણ થતાં બંનેએ વાંધો ઉઠાવ્યો હતો અને અલગ રૂમની માંગ કરી હતી.સ્થિતિને ધ્યાનમાં લઈને ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓએ દરમિયાનગીરી કરી હતી. ત્યારબાદ બંનેને અલગ અલગ રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાંબી મુસાફરી બાદ નાગોયા પહોંચ્યા
પ્રણતિ નાયક અને કોચ અશોક મિશ્રા લાંબી હવાઈ મુસાફરી બાદ નાગોયા પહોંચ્યા હતા. આશરે 30 કલાકથી વધુની મુસાફરી કર્યા બાદ તેઓ મોડી રાત્રે રમતગમતના ગામ તરીકે ઉપયોગમાં લેવાતા ક્રૂઝ શિપ પર પહોંચ્યા હતા.ત્યાં પહોંચ્યા બાદ તેમને રૂમની ફાળવણી અંગે જાણ થઈ. મહિલા ખેલાડી અને પુરુષ કોચને એક જ રૂમ ફાળવવામાં આવ્યો હોવાની માહિતી મળ્યા બાદ બંનેએ તરત જ આ વ્યવસ્થા સામે વાંધો નોંધાવ્યો હતો.ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓએ મામલાની ગંભીરતા સમજીને રાત્રે જ સ્થાનિક આયોજકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પ્રણતિ નાયકને અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો.
કોચ અશોક મિશ્રાને પણ મુશ્કેલી
માત્ર રૂમ ફાળવણી જ નહીં, પરંતુ કોચ અશોક મિશ્રાને ક્રૂઝ શિપમાં પ્રવેશ સમયે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.મીડિયા રિપોર્ટ અનુસાર ક્રૂઝ શિપના પ્રવેશદ્વાર પર મળેલી પર્ચીમાં અશોક મિશ્રાનું નામ હોવાથી તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે રિસેપ્શન પર પહોંચ્યા બાદ સ્ટાફે રજિસ્ટરમાં તેમનું નામ શોધ્યું હતું. ત્યાં નામ ન મળતાં તેમને રજિસ્ટર્ડ ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.આ કારણે થાકેલા અશોક મિશ્રાને મોડી રાત્રે આશરે 45 મિનિટ સુધી બહાર રાહ જોવી પડી હતી.આ ઘટના રાત્રે 1થી 2 વાગ્યાની વચ્ચે બની હોવાનું જણાવવામાં આવ્યું છે.
https://x.com/LalaXd/status/2100539766177730764?s=20
નામની સ્પેલિંગની ભૂલથી થયો વિવાદ
પછી તપાસ કરતાં સમગ્ર ગોટાળાનું કારણ સામે આવ્યું હતું. રજિસ્ટરમાં મિશ્રા નામની સ્પેલિંગમાં ભૂલ થઈ હતી. ‘MISHRA’માં ‘I’ અક્ષર છૂટી જતાં નામ ‘MSHRA’ તરીકે નોંધાઈ ગયું હતું.આ સ્પેલિંગની ભૂલને કારણે સિસ્ટમમાં કોચનું સાચું નામ શોધી શકાયું નહોતું. ત્યારબાદ ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓએ નાગોયાની સ્થાનિક આયોજન સમિતિ સાથે વાતચીત કરી હતી અને મામલો ઉકેલ્યો હતો.
અંતે અલગ રૂમની વ્યવસ્થા
લગભગ 1:30થી 2 વાગ્યાની વચ્ચે મામલો ઉકેલાયા બાદ પ્રણતિ નાયકને અલગ રૂમ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, કોચ અશોક મિશ્રાને વેઇટલિફ્ટિંગના મુખ્ય કોચ વિજય શર્મા સાથે રૂમ શેર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઘટનાએ એશિયન ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ખેલાડીઓ અને અધિકારીઓ માટેની રહેઠાણ વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને મહિલા ખેલાડી અને પુરુષ કોચને એક જ રૂમ ફાળવવાની ઘટના તથા નામની સ્પેલિંગની ભૂલને કારણે કોચને મોડી રાત્રે રાહ જોવી પડતાં ભારતીય ટીમના વ્યવસ્થાપન પર ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો - Asian Games 2026: ટીમ ઈન્ડિયાની સેમિફાઇનલમાં એન્ટ્રી, જાપાનને 8 વિકેટે હરાવ્યું