ભારતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કુલ 107 મેડલ જીત્યા હતા. આ ઐતિહાસિક સફરમાં ભારતીય ખેલાડીઓએ 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. આ શાનદાર જીત સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું.
શૂટિંગમાં ભારતીય નિશાનેબાજોનો જલવો
શૂટિંગમાં ભારતે સૌથી મોટો દબદબો બનાવ્યો હતો અને કુલ 22 મેડલ જીત્યા હતા. જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. મનુ ભાકર, ઈશા સિંહ અને સિફ્ટ કૌર સામરા જેવી સ્ટાર શૂટર્સે દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો.
એથ્લેટિક્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડનો કમાલ
એથ્લેટિક્સમાં ભારતીય એથ્લેટ્સનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભારતે સૌથી વધુ 29 મેડલ મેળવ્યા હતા. જેમાં 6 ગોલ્ડ, 14 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે કિશોર જેનાએ સિલ્વર મેડલ જીતીને ડબલ પોડિયમ ફિનિશ કર્યું હતું. આ સિવાય અવિનાશ સાબલે, પારુલ ચૌધરી અને તેજિન્દરપાલ સિંહ તૂરે પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
તીરંદાજીમાં તમામ ગોલ્ડ ભારતને નામે
આર્ચરીમાં ભારતીય તીરંદાજોએ ક્લીન સ્વીપ કરીને કમાલ કરી દીધી હતી. ભારતે કુલ 9 મેડલ જીત્યા હતા, જેમાં કમ્પાઉન્ડ કેટેગરીમાં તમામ 5 ગોલ્ડ મેડલ ભારતે જીત્યા હતા. જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસ દેવતળેએ પોતપોતાની અલગ-અલગ કેટેગરીમાં 3-3 ગોલ્ડ મેડલ જીતીને મોટો ઈતિહાસ રચ્યો હતો.
ક્રિકેટ અને કબડ્ડીમાં ડબલ ગોલ્ડ
ભારતે ટીમ સ્પોર્ટ્સમાં પોતાની બાદશાહત સાબિત કરી દીધી હતી. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ અને પુરુષ ટીમ બંનેએ શાનદાર રમત બતાવીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ જ રીતે કબડ્ડીમાં પણ ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમોએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.
હોકી અને સ્ક્વોશમાં દમદાર વિજય
ભારતીય પુરુષ હોકી ટીમે ફાઇનલમાં જાપાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ઓલિમ્પિક્સ માટે ડાયરેક્ટ ટિકિટ મેળવી હતી, જ્યારે મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્ક્વોશમાં ભારતે પુરુષ ટીમ ઈવેન્ટ અને મિક્સ્ડ ડબલ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 5 મેડલ પોતાના નામે કર્યા હતા.
અન્ય રમતોમાં ભારતીય મેડલ ટેલી
બેડમિન્ટન: સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઈતિહાસમાં પહેલી વાર મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રોઇંગ અને સેઇલિંગ: ભારતીય રોઇંગ ટીમે 5 મેડલ અને સેઇલિંગ ટીમે 3 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
રેસલિંગ અને બોક્સિંગ: કુસ્તીમાં દીપક પુનિયાના સિલ્વર સાથે કુલ 6 મેડલ મળ્યા હતા, જ્યારે બોક્સિંગમાં લવલીના બોરગોહેનના સિલ્વર સહિત કુલ 5 મેડલ મળ્યા હતા.
ટેનિસ અને ઇક્વેસ્ટ્રિયન: ઘોડેસવારીમાં ભારતે 41 વર્ષ પછી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જોડીએ ગોલ્ડ પોતાના નામે કર્યો હતો.
આ પણ વાંચો-Thalapathy Vijay : સરકારી સ્કૂલોમાં લંચમાં મળશે ચિકન બિરયાની! થલાપતિ વિજય સરકારની મોટી તૈયારી