આજે એશિયન ગેમ્સના 9માં દિવસે મહિલાઓની 25 મીટર પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય સ્ટાર શૂટર્સ મનુ ભાકરે નિરાશ કર્યા. જયારે એશા સિંહે શાનદાર પ્રદર્શન કરતાં ફાઇનલ માટે કવોલિફાય થઈ. ભારતની સ્ટાર શૂટર્સ મનુ ભાકર 579 ના સ્કોર સાથે 11મા સ્થાને રહી હતી, જેના કારણે તે ફાઇનલમાં જગ્યા બનાવવામાં ચૂકી ગઈ છે. જયારે એશા સિંહે શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. તેણીએ 580-22x નો સ્કોર કરીને આઠમું સ્થાન મેળવ્યું અને અંતિમ ક્વોલિફાઇંગ સ્પોટ સાથે ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે.

વુમન શૂટર્સ એશા સિંહ મેડલની દાવેદાર

આઇચી-નાગોયા ખાતે રમાઈ રહેલી આ એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરો મજબૂત શરૂઆત કરવા છતાં પણ ખૂબ જ ઓછા અંતરથી મેડલ ચૂકતા જોવા મળ્યા છે. મનુ ભાકર ફાઈનલમાંથી બહાર થઈ જયારે એશા સિંહના શાનદાર પ્રદર્શનના કારણે ભારતને વધુ એક મેડલ જીતવાની આશા છે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાં 25 મીટર પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટમાં રાહી સરનોબત 568-16x ના સ્કોર સાથે 30મા સ્થાને રહી ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

હાંગઝોઉ ગેમ્સમાં ભારતીય વુમન શૂટર્સ

અગાઉની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં આ જ 25m પિસ્તોલ ઇવેન્ટમાં એશા સિંહે વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે એશા, મનુ ભાકર અને રિધમ સાંગવાની ટીમે સંયુક્ત રીતે 'ગોલ્ડ મેડલ' મેળવ્યો હતો. તેની સરખામણીએ આ વખતે ભારતીય ચાહકોને નિરાશા સાંપડી છે. મનુ ભાકર આ ગેમ્સમાં 10m એર પિસ્તોલ ફાઇનલમાં પહોંચીને પાંચમા સ્થાને રહી હતી. આ સિવાય, મહિલાઓની 10m એર પિસ્તોલ ટીમ અને પુરુષોની 10m એર પિસ્તોલ ટીમ બંને ચોથા સ્થાને રહીને મેડલ ચૂકી ગઈ હતી.

ફાઇનલમાં એશા પાસે ઇતિહાસ રચવાની તક

જોકે, ભારત માટે કેટલાક પોડિયમ ફિનિશ પણ રહ્યા છે. ભારતીય શૂટરોએ 10m એર રાઇફલ ઇવેન્ટ્સ તેમજ પુરુષો અને મહિલાઓની 'સ્કીટ ટીમ' સ્પર્ધાઓમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે, જે ભારતીય ટુકડીના ઉતાર-ચઢાવવાળા પ્રદર્શનને દર્શાવે છે. હવે તમામની નજર એશા સિંહ પર ટકેલી છે. તે મહિલાઓની 25m પિસ્તોલ વ્યક્તિગત ફાઇનલમાં રમશે. ભારત આ ઇવેન્ટમાં પોતાના કમનસીબ પ્રદર્શનને ભૂલીને એશાના નિર્ણાપક પ્રદર્શન દ્વારા મેડલ જીતવાની આશા રાખી રહ્યું છે.


આ પણ વાંચો : Asian Games 2026 : 0.01 સેકન્ડે જીત્યો મેડલ! હરિતા ભદ્રાની ફોટો ફિનિશમાં ધમાકેદાર બ્રોન્ઝ