આજે એશિયન પેરા ગેમ્સ 2026નો ચોથો દિવસ છે. ભારતે એથ્લેટિક્સમાં અત્યાર સુધી સૌથી વધુ 42 મેડલ જીત્યા છે. ચોથો દિવસની ગોલ્ડ જીતવાથી શરૂઆત થઈ. ભારતીય પેરા તીરંદાજ શીતલ દેવી અને તોમન કુમારે એશિયન પેરા ગેમ્સ 2026ની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણ પદક જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. આ એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજી ક્ષેત્રે ભારતનો આ સર્વપ્રથમ ગોલ્ડ મેડલ છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ ઇન્ડોનેશિયાના ટીઓડોરા ઓડી આયુડિયા ફેરેલી અને કેન સ્વગુમિલંગને 151-148 ના સ્કોરથી હરાવીને આ રોમાંચક જીત હાંસલ કરી હતી.

શીતલ અને તોમન કુમારની રોમાંચક ફાઇનલ મેચ

ભારતીય જોડીએ ફાઇનલમાં શરૂઆતથી જ મજબૂત પકડ જાળવી રાખી હતી. આ જોડીએ પ્રથમ અને બીજો એન્ડમાં સારું પ્રદર્શન કર્યું. ભારતે પ્રથમ એન્ડમાં 38-37 ની સરસાઈ મેળવી. ત્યારબાદ બીજા એન્ડમાં 39 નો ઉત્કૃષ્ટ સ્કોર કરીને પોતાની લીડ વધારીને 77-73 કરી દીધી. ત્રીજા એન્ડમાં 36 સ્કોર કરવા છતાં ભારતે 3 પોઈન્ટની મહત્વની લીડ જાળવી રાખી. અંતિમ એન્ડમાં 38 નો શાનદાર સ્કોર કરીને 151-148 થી ગોલ્ડ મેડલ પર પોતાનો કબજો જમાવ્યો.

ફાઇનલ સુધી પહોંચવાની સંઘર્ષપૂર્ણ સફર

આ અગાઉ સેમિફાઇનલમાં શીતલ અને તોમનની જોડીએ ચાઇનીઝ તાઈપેઈના યુન-હસિએન લી અને જ્યુન-કાઈ યાંગને એક તંગ મુકાબલામાં 142-141 થી હરાવ્યા હતા. ત્રીજા એન્ડ સુધી 112-103 ની મજબૂત લીડ હોવા છતાં, તોમનનો એક શોટ ચૂકી જતાં દબાણ વધી ગયું હતું. જોકે, ભારતીય જોડીએ ધૈર્ય દાખવીને સતત ત્રણ 10-રિંગ શોટ ફટકારી ફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો.

મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને

આ ઐતિહાસિક જીત સાથે ચાલુ ગેમ્સમાં ભારતનો ગોલ્ડ મેડલનો આંકડો 16 પર પહોંચ્યો છે, જ્યારે કુલ મેડલની સંખ્યા 71 થઈ ગઈ છે. આ સાથે જ ભારત મેડલ ટેલીમાં પુનઃ ચોથા ક્રમાંકે પહોંચી ગયું છે.

સુવર્ણા રાજનો ડિસ્કસ થ્રોમાં સ્વર્ણિમ દેખાવ

22 ઓક્ટોબરના રોજ ભારતને બીજો ગોલ્ડ મેડલ મહિલા ડિસ્કસ થ્રો (F54 ઇવેન્ટ)માં મળ્યો હતો. સુવર્ણા રાજે 6 ખેલાડીઓની સ્પર્ધામાં સતત સારો દેખાવ કર્યો અને પોતાના પાંચમા પ્રયાસમાં 15.66 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમણે પોતાના છ માંથી ચાર પ્રયાસોમાં 15 મીટરથી વધુ દૂર થ્રો કરીને ભારતના મેડલ લિસ્ટમાં વધુ એક ગૌરવ ઉમેર્યું હતું.