ચીનમાં રમાઈ રહેલી એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ભારતની 20 વર્ષીય યુવા પ્રતિભા આયુષ શેટ્ટીએ પોતાની રમતથી આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મેન્સ સિંગલ્સની રોમાંચક ફાઈનલમાં આયુષનો સામનો ચીનના દિગ્ગજ અને વર્લ્ડ ચેમ્પિયન શી યુકી સામે હતો. જોકે, આ મેચમાં આયુષને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ મેડલ સાથે તેણે ભારતીય બેડમિન્ટન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ નોંધાવ્યું છે.

ફાઈનલ મેચનો અહેવાલ

ફાઈનલ મુકાબલામાં ચીનના શી યુકીનો અનુભવ આયુષ પર ભારે પડ્યો હતો. માત્ર 42 મિનિટ ચાલેલી આ મેચમાં શી યુકીએ પ્રથમ સેટ 21-8 થી એકતરફી રીતે જીતી લીધો હતો. બીજા સેટમાં આયુષે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુકીએ ફરી વાપસી કરીને આ સેટ 21-10 થી પોતાના નામે કરી લીધો હતો.

60 વર્ષનો દુકાળ પૂરો કર્યો

ભલે આયુષ ફાઈનલ હારી ગયો હોય, પરંતુ તે છેલ્લા 60 વર્ષમાં એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સ ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. આ પહેલા વર્ષ 1965માં દિનેશ ખન્ના ફાઈનલમાં પહોંચ્યા હતા અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આયુષ હવે આ યાદીમાં સામેલ થનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે.

દિગ્ગજોને હરાવી મેળવ્યું ફાઈનલનું ટિકિટ

આ ટૂર્નામેન્ટમાં આયુષનો પ્રવાસ અદભૂત રહ્યો હતો. તેણે ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર-4 જોનાથન ક્રિસ્ટીને અને સેમીફાઈનલમાં વર્લ્ડ નંબર-1 કુન્લાવત વિતિદસર્ન જેવા દિગ્ગજોને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં 25મા ક્રમે રહેલા આયુષ પાસેથી હવે આગામી ટૂર્નામેન્ટોમાં પણ આવા જ શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા છે.


આ પણ વાંચો - MI Vs RCB Live: મુંબઈ અને બેંગ્લુરુ વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?