નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શટલરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ અને યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ પોતપોતાની મેચો જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16) માં સ્થાન પાક્કું કર્યું છે.
પી.વી. સિંધુની સળંગ ગેમ્સમાં સરળ જીત
9મી ક્રમાંકિત પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સના મુકાબલામાં કેનેડાની ઝાંગ વેન્યુને માત્ર 34 મિનિટમાં 21-16, 21-17 થી પરાજય આપ્યો હતો. પ્રથમ ગેમ (21-16)માં સિંધુએ આક્રમક શરૂઆત કરીને સતત 4 પોઈન્ટ સાથે લીડ મેળવી હતી. ઝાંગે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિંધુએ ઇન્ટરવલ સુધી 11-9 ની સરસાઈ જાળવી રાખી. બ્રેક બાદ કેનેડિયન ખેલાડીના દબાણ છતાં, અનુભવી સિંધુએ નિર્ણાયક ક્ષણોમાં સંયમ જાળવીને 16 મિનિટમાં પહેલી ગેમ પોતાના નામે કરી. બીજી ગેમમાં (21-17) ઝાંગે સિંધુને કડક ટક્કર આપી હતી. એક સમયે સ્કોર 9-9 થી બરાબર રહ્યા બાદ ઝાંગે ઇન્ટરવલ સુધી 11-9 ની લીડ મેળવી લીધી હતી. જોકે, બ્રેક પછી સિંધુએ શાનદાર વાપસી કરતાં સતત 5 પોઈન્ટ જીતીને મેચનું પાસું પલટી નાખ્યું અને બીજી ગેમ સાથે મેચ પણ જીતી લીધી.
આગામી પડકાર: વાંગ જી યી સામે ટક્કર
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે સિંધુનો સામનો ચીનની 3જી ક્રમાંકિત ખેલાડી વાંગ જી યી સામે થશે. વાંગે પોતાની અગાઉની મેચમાં મલેશિયાની કરુપથેવન લેત્શાનાને 21-16, 21-9 થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીતથી આત્મવિશ્વાસથી છલકાતી સિંધુ મેડલ તરફ વધુ એક પગલું ભરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
મેન્સ સિંગલ્સ: આયુષ શેટ્ટીની દબદબાભરી જીત
મહિલા સિંગલ્સ ઉપરાંત મેન્સ સિંગલ્સમાં પણ ભારતને સફળતા મળી હતી. ભારતના આયુષ શેટ્ટીએ શ્રીલંકાના ડુમિન્ડુ અબેવિક્રમાને એકતરફી મુકાબલામાં 21-8, 21-10 થી ધૂળ ચાટતી કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.