ચીનના શેનઝેનમાં રમાઈ રહેલી ચાઇના માસ્ટર્સ 2026 સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર રહી છે. અનુભવી ભારતીય શટલર કિદાંબી શ્રીકાંતે શાનદાર પ્રદર્શન કરીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. બીજી તરફ ભારતના સ્ટાર ખેલાડી લક્ષ્ય સેનને પ્રથમ રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો છે.કિદાંબી શ્રીકાંતે રાઉન્ડ ઓફ 32માં ચાઇનીઝ તાઇપેઈના ખેલાડી ચી યુ જેનને સીધા 2 સેટમાં હરાવ્યો હતો. આ જીત સાથે તેણે ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.

કિદાંબી શ્રીકાંતનો શાનદાર વિજય

ચાઇના માસ્ટર્સ સુપર 750માં કિદાંબી શ્રીકાંતનો સામનો રાઉન્ડ ઓફ 32માં ચી યુ જેન સામે થયો હતો.લગભગ 35 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં કિદાંબીએ શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.પ્રથમ સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે સારી સ્પર્ધા જોવા મળી હતી,પરંતુ કિદાંબીએ મહત્વની ક્ષણોમાં પોઈન્ટ મેળવીને સેટ 21-16થી જીતી લીધો હતો.બીજા સેટમાં પણ કિદાંબી શ્રીકાંતે પોતાની લય જાળવી રાખી હતી.ચી યુ જેને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ ભારતીય ખેલાડીએ સતત આક્રમક રમત સાથે તેના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.કિદાંબીએ બીજો સેટ 21-15થી જીતીને સીધા સેટમાં મેચ પોતાના નામે કરી હતી.આ જીત સાથે કિદાંબી શ્રીકાંતે ચાઇના માસ્ટર્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે આગામી રાઉન્ડમાં તેની સામે વધુ કઠિન પડકાર રહેશે.

17 વર્ષની તન્વી શર્માની પણ જીત

કિદાંબી શ્રીકાંત ઉપરાંત ભારતની યુવા ખેલાડી તન્વી શર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. માત્ર 17 વર્ષની તન્વીએ ડેનમાર્કની અમાઇલા સ્કલ્ઝ સામે રમાયેલી મેચમાં સીધા 2 સેટમાં જીત મેળવી હતી.તન્વીએ પ્રથમ સેટ 21-16થી પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ બીજા સેટમાં પણ તેણે શાનદાર રમત બતાવીને 21-17થી જીત મેળવી હતી. આ રીતે તન્વીએ પણ ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ-તનિષાની શાનદાર શરૂઆત

ભારતની મિક્સ્ડ ડબલ્સ જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોએ પણ ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. ભારતીય જોડીએ થાઇલેન્ડની ટોન્નાકોર્ન સાએહેંગ અને ટોનિચા સાએહેંગની જોડીને સીધા 2 સેટમાં હરાવી હતી.ધ્રુવ અને તનિષાએ પ્રથમ સેટમાં શાનદાર રમત બતાવીને 21-8થી જીત મેળવી હતી. બીજા સેટમાં પણ ભારતીય જોડીએ કોઈ તક આપી નહોતી અને 21-9થી સેટ જીતીને મેચ પોતાના નામે કરી હતી.

લક્ષ્ય સેન પ્રથમ રાઉન્ડમાં બહાર

બીજી તરફ ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન માટે ચાઇના માસ્ટર્સ 2026ની શરૂઆત નિરાશાજનક રહી હતી. લક્ષ્ય પાસેથી આ ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જ તેની સફર સમાપ્ત થઈ ગઈ.લક્ષ્ય સેનનો સામનો કેનેડાના વિક્ટર લાઇ સામે થયો હતો. વિક્ટર લાઇ હાલમાં વિશ્વ રેન્કિંગમાં 9મા સ્થાને છે. મુકાબલાની શરૂઆતમાં જ લક્ષ્ય સેનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પ્રથમ સેટમાં લક્ષ્યને 14-21થી હાર મળી હતી. ત્યારબાદ બીજા સેટમાં પણ તે પોતાની લય મેળવી શક્યો નહોતો. લગભગ 38 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં બીજા સેટમાં વિક્ટર લાઇએ લક્ષ્યને 21-7થી હરાવીને મેચ પોતાના નામે કરી હતી.લક્ષ્ય સેનની સતત થયેલી ભૂલો તેના પર ભારે પડી હતી. હવે કિદાંબી શ્રીકાંત, તન્વી શર્મા અને ધ્રુવ આ કપિલા-તનિષા ક્રાસ્ટો પાસેથી ભારતીય ચાહકોને આગળના રાઉન્ડમાં પણ સારા પ્રદર્શનની આશા રહેશે.

આ પણ વાંચો - India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ