ગુજરાતના અમદાવાદમાં 12 અને 13 ઑક્ટોબર, 2026ના રોજ BRICSની પરંપરાગત અને સ્થાનિક રમતોનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં ભારત સહિત BRICSના સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ પોતાની પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમનું આયોજન ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા ગુજરાત સરકાર મળીને કરી રહ્યાં છે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે તેમાં ખેલાડીઓ વચ્ચે મેડલ માટેની સ્પર્ધા નહીં હોય, પરંતુ જુદા-જુદા દેશોની પરંપરાગત રમતોને રજૂ કરવામાં આવશે

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થશે આયોજન

આ કાર્યક્રમ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા તેનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે અને ગુજરાતના રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત પણ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ આયોજન ભારતની 2026ની BRICS અધ્યક્ષતા હેઠળ થઈ રહ્યું છે. તેનો હેતુ રમતગમતના માધ્યમથી દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવાનો અને પરંપરાગત રમતોને જાળવી રાખવાનો છે.

ભારત બતાવશે મલ્લખંભ, યોગાસન અને કલરીપયટ્ટુ

ભારત તરફથી મલ્લખંભ, યોગાસન અને કલરીપયટ્ટુ જેવી રમતો રજૂ કરવામાં આવશે. મલ્લખંભમાં થાંભલા અથવા દોરડાની મદદથી શરીરનું સંતુલન અને કસરતનાં વિવિધ કરતબ કરવામાં આવે છે. કલરીપયટ્ટુ કેરળની પરંપરાગત માર્શલ આર્ટ છે, જ્યારે યોગાસનમાં અલગ-અલગ આસનો અને શારીરિક નિયંત્રણનું પ્રદર્શન થાય છે. આ રમતો દ્વારા ભારત પોતાની જૂની રમતગમત પરંપરા અને શારીરિક તાલીમની પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરશે

ચીન, બ્રાઝિલ અને રશિયાની રમતો પણ જોવા મળશે

આ કાર્યક્રમમાં અલગ-અલગ દેશોની જાણીતી પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ સામેલ છે. ચીન તરફથી વુશુ, લાયન ડાન્સ અને હેલ્થ કિગોંગ રજૂ થશે. બ્રાઝિલ તરફથી કપોઇરા અને લાકડાં લઈને દોડવાની પરંપરાગત રમતનું પ્રદર્શન થશે. રશિયા તરફથી ગોરોડકી અને સામ્બો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બોલિવિયાની લુચા દે ચોલિતાસ, કઝાકિસ્તાનની કઝાક કુરેસી, દક્ષિણ આફ્રિકાની ઇન્ટોંગા અને ઇથિયોપિયાની પરંપરાગત કુસ્તી જેવી રમતો પણ કાર્યક્રમનો ભાગ બનશે. આથી મુલાકાતીઓને જુદા-જુદા દેશોની રમતગમત અને સંસ્કૃતિ વિશે જાણવાની તક મળશે.

મેડલ માટે નહીં, પરંપરા બતાવવા માટેનો કાર્યક્રમ

આ કાર્યક્રમ સામાન્ય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટથી અલગ છે. અહીં મુખ્ય હેતુ જીત-હાર નક્કી કરવાનો નહીં, પરંતુ પરંપરાગત રમતોનું પ્રદર્શન, દસ્તાવેજીકરણ અને એકબીજા પાસેથી શીખવાનો છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે, વિવિધ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે રમતગમતના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે બેઠકો પણ યોજાશે. અમદાવાદમાં યોજાનારો આ કાર્યક્રમ ભારતની પરંપરાગત રમતોને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની સાથે BRICS દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવાની તક પણ બનશે.

આ પણ વાંચો: Candy Crush Saga: 22,222મું લેવલ પાર, કેન્ડી ક્રશમાં 19 વર્ષના શુભમનું નામ રેકોર્ડ બુકમાં