આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં 74 દેશોના લગભગ 3000 એથ્લેટ્સ ભાગ લેશે. આ વખતની કોમનવેલ્થ ગેમ્સ ખૂબ જ ટૂંકી રહેવાની છે, જેમાં માત્ર 10 રમતની સ્પર્ધાઓ યોજાશે અને કુલ 215 મેડલ ઇવેન્ટ્સ હશે. મેડલ વિજેતા ઇવેન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં, ભારતીય એથ્લેટ્સ પાસેથી આ કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. પ્રથમ દિવસે એક તરફ ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે, તો બીજી તરફ લૉન બોલ્સ (Lawn Bowls) ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે.

ભારત 19મી વખત કોમનવેલ્થ ગેમ્સમાં લઈ રહ્યું છે ભાગ

23 જુલાઈથી શરૂ થઈ રહેલી આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 19મી વખત ભાગ લેશે. છેલ્લે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ઈંગ્લેન્ડના બર્મિહામમાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું અને કુલ 61 મેડલ જીતવામાં સફળતા મળી હતી.

પ્રથમ દિવસે ભારતનું શિડ્યુલ

પ્રથમ દિવસના શિડ્યુલની વાત કરીએ તો, લૉન બોલ્સની મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં ભારતીય ખેલાડીઓ ગ્રુપ સ્ટેજની મેચો રમશે. આ સિવાય સાંજે યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટુકડી ભાગ લેશે. કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની ગ્લાસગોના 'ઓવો હાઇડ્રો' (Ovo Hydro) ખાતે યોજાશે.

પ્રથમ દિવસે ભારતનું ટાઇમટેબલ:

  • પુરુષ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ (લૉન બોલ્સ): ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે
  • મહિલા પેર ગ્રુપ સ્ટેજ (લૉન બોલ્સ): ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે
  • ઓપનિંગ સેરેમની: ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે

ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લાઇવ સ્પર્ધા?

ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નું સીધું પ્રસારણ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર થશે, જ્યારે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ પર કરવામાં આવશે, જ્યાં ચાહકો લોગિન કરીને મેચ જોઈ શકે છે. આ રમતોની શરૂઆત ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે થશે, જ્યારે મોટાભાગની મેડલ ઇવેન્ટ્સ રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થશે જે મોડી રાત સુધી ચાલશે.

આ વખતે આ એથ્લેટ્સ પાસેથી સૌથી વધુ મેડલની આશા

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભલે માત્ર 10 રમતોનો જ સમાવેશ કરવામાં આવ્યો હોય, છતાં કેટલાક ભારતીય એથ્લેટ્સ એવા છે જેમના પરથી ગોલ્ડ અને અન્ય મેડલની સૌથી વધુ આશા છે. જેમાં જેવલિન થ્રોમાં સ્ટાર ખેલાડી નીરજ ચોપરા, વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ, લોંગ જમ્પમાં મુર્લી શ્રીશંકર, બોક્સિંગમાં લવલીના બોરગોહેન અને જુડોમાં તુલિકા માન પાસેથી મેડલની આશા રાખવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો