શ્રીનગરમાં રમાઈ રહેલ પ્રીમિયર લીગમાં ખેલાડીઓના પૈસા લઈને આયોજકો ફરાર થઈ જતાં સ્ટાર ખેલાડીઓને ભોંઠપ અનુભવવાનો વારો આવ્યો છે. શું છે આખી ઘટના જાણીએ આ લેખમાં.

પૈસા લઈને આયોજકો ફરાર

શ્રીનગરમાં ઇન્ડિયન હેવન પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિસ ગેઇલ અને પ્રવીણ કુમાર સહિત અનેક અગ્રણી ખેલાડીઓ સામેલ પણ થયા હતા, પરંતુ આ પ્રીમિયર લીગનું આયોજન સ્ટાર ખેલાડીઓને ખૂબ ભારે પડ્યું કેમ કે મળતી માહિતી મુજબ આ પ્રીમિયર લીગસાથે સંકળાયેલા ખેલાડીઓ, અમ્પાયરો અને અધિકારીઓને તેમના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા નથી જે કારણથી સ્ટાર ખેલાડીઓ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

પોલીસે FIR દાખલ કરી

ઇન્ડિયન હેવન પ્રીમિયર લીગના આયોજનમાં અનિયમિતતા, મેચ રદ અને ચૂકવણી ન કરવાના અહેવાલો બાદ મામલો એ હદે ગરમાયો કે સ્થાનિક પોલીસે આ બાબતે કેસ નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ તરફથી મળતી માહિતી મુજબ કાયદાની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે, અને તપાસ ચાલુ છે. લીગ 25 ઓક્ટોબરના રોજ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. ક્રિસ ગેઇલ અને પ્રવીણ કુમાર સહિત અનેક અગ્રણી ખેલાડીઓ તેમાં સામેલ હતા.

લીગની વિશ્વસનીયતા પર શંકા

આ આખા કેસમાં ઉડીને આંખે વળગતી બાબત એ છે કે જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલનો આ લીગને સંપૂર્ણ ટેકો મળ્યો હતો, અને શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં મેચો રમાઈ હતી. જો કે, હવે જ્યારે લીગ બાકી લેણાં અને અનિયમિતતાના આરોપોનો સામનો કરી રહી છે, ત્યારે સરકાર તરફથી કોઈ તપાસ કે કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 25 ઓક્ટોબરથી શરૂ થયેલી લીગની ફાઇનલ 8 નવેમ્બરના રોજ યોજાવાની હતી, પરંતુ વિવાદોએ સમગ્ર ઇવેન્ટની વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરી છે.
  • Follow us on: