ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ દિગ્ગજ એલિસા હીલીએ પોતાના ODI કરિયરને યાદગાર વિદાય આપી.ઓસ્ટ્રેલિયન કેપ્ટને હોબાર્ટના બેલેરીવ ઓવલ ખાતે ભારત સામેની ત્રીજી ODIમાં શાનદાર સદી ફટકારીને પોતાની છેલ્લી ODI મેચને ખાસ બનાવી. હીલીએ માત્ર 79 બોલમાં 18 ચોગ્ગા સહિત પોતાની સદી પૂરી કરી. આ સાથે, એલિસા પોતાની છેલ્લી ODIમાં સદી ફટકારનારી વિશ્વની બીજી અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા ક્રિકેટર બની. આ પહેલા, દક્ષિણ આફ્રિકાની જોહમેરી લોગટેનબર્ગે પોતાની છેલ્લી ODIમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

ભારત સામે પોતાની ચોથી સદી ફટકારી

એલિસાની વિસ્ફોટક ઇનિંગને કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર માત્ર 31 ઓવરમાં 200 રનને પાર કરી ગયો.આ 35 વર્ષીય હીલીની આઠમી ODI સદી હતી.હીલીએ ભારત સામે પોતાની ચોથી સદી ફટકારી. એલિસાએ 98 બોલમાં 160 થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે 158 રનની શાનદાર ઇનિંગ રમી. આ શાનદાર ઇનિંગમાં તેણે 27 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.અગાઉ,ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને એલિસા હીલીની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલી ઇનિંગની શરૂઆત કરવા માટે ઉતરી ત્યારે વાતાવરણ દમદાર હતું. ભારતીય ખેલાડીઓએ તેમને ખાસ ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કર્યા.ત્યારબાદ હીલીએ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ઉષ્માભર્યા હાથ મિલાવ્યા.
જાન્યુઆરીમાં નિવૃત્તિની જાહેરાત કરી
હીલીએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તે ભારત સામેની ઘરેલુ મલ્ટી-ફોર્મેટ શ્રેણી પછી વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તેણીએ જણાવ્યું હતું કે તે ભારતીય શ્રેણીના અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી રહી છે. તેણી ટી20 સીરિઝ ચૂકી ગઈ હતી, પરંતુ તેણીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માર્ચમાં પર્થમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ સાથે સમાપ્ત થશે.
એક શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી
2010 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનારી હીલીએ વનડેમાં 3619 થી વધુ રન અને ટેસ્ટ ક્રિકેટમાં 489 રન બનાવ્યા છે. 6-9 માર્ચ દરમિયાન પર્થમાં ભારત સામેની એકમાત્ર ટેસ્ટ તેની કારકિર્દીની અંતિમ મેચ હશે. આ એકમાત્ર ટેસ્ટમાં પણ એલિસા હીલી પાસેથી મોટી ઇનિંગ્સ રમવાની અપેક્ષા રાખવામાં આવશે.



  • Follow us on: