ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મહિલા ખેલાડીઓ માટે પોતાની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા T20I રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગઈ છે. આ દરમિયાન, સ્મૃતિ મંધાનાને મોટો ઝટકો લાગ્યો છે. તેણીએ બેટ્સમેનોની ODI રેન્કિંગમાં નંબર-1 સ્થાન ગુમાવ્યું છે. એક સ્ટાર દક્ષિણ આફ્રિકાની બેટ્સમેન તેને પાછળ છોડી દીધી છે. આ ખેલાડીએ તાજેતરમાં ઘરઆંગણે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દીપ્તિ શર્માએ પહેલી વાર આ સિદ્ધિ હાંસલ કરી
દીપ્તિ શર્માને પહેલી વાર T20I બોલિંગ રેન્કિંગમાં નંબર-1નો તાજ પહેરાવવામાં આવ્યો છે.તેણીએ વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામેની T20I સીરિઝની પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 1 વિકેટ લીધી હતી, જેનાથી તેણીના રેટિંગમાં સુધારો થયો હતો.અગાઉ,આ સ્થાન ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ પાસે હતું, પરંતુ હવે દીપ્તિએ તેને પાછળ છોડી દીધું છે. દીપ્તિની કારકિર્દીમાં આ એક મોટી સિદ્ધિ છે.













