આઈપીએલ 2026 (IPL 2026) માં પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવનાર વૈભવ સૂર્યવંશીના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર ઝૂકયા. ૧૫ વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી આગામી ૯ જૂનથી ફરી એકવાર મેદાન પર તહલકો મચાવશે. તાજેતરમાં જ સમાપ્ત થયેલી આઈપીએલમાં ૭૭૬ રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરનાર વૈભવનો ક્રેઝ એટલો વધી ગયો છે કે બ્રોડકાસ્ટર્સે પણ પોતાની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો પડ્યો છે.
ભારતીયોમાં વૈભવ સૂર્યવંશીનો ક્રેઝ
ભારતીય ચાહકો વૈભવને કોઈપણ કિંમતે બેટિંગ કરતો જોવા માંગે છે. આ જ જબરદસ્ત ક્રેઝને ધ્યાનમાં રાખીને, ભારત 'A' ટીમના શ્રીલંકા પ્રવાસ દરમિયાન રમાનારી તમામ મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકાના પ્રવાસે જઈ રહેલી ભારત 'A' ટીમનું નેતૃત્વ ભલે સ્ટાર ખેલાડી તિલક વર્મા કરશે. પરંતુ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની હાજરીના કારણે આ ત્રિકોણીય શ્રેણી (Tri-Series) નો રોમાંચ બમણો થઈ ગયો છે. આ સિરીઝમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ ની ટીમો ભાગ લેવાની છે.
ક્યાં અને ક્યારે જોઈ શકાશે લાઈવ મેચો?
૯ જૂનથી શરૂ થઈને ૨૧ જૂન સુધી ચાલનારી આ ત્રિકોણીય શ્રેણીના પ્રસારણ અધિકારો સોની નેટવર્ક પાસે છે. સોની સ્પોર્ટ્સ (Sony Sports) ચેનલ પર મેચો લાઈવ જોઈ શકાશે. તો ડિજિટલ દર્શકો સોની લિવ (Sony LIV) એપ પર મેચો માણી શકશે. એક અહેવાલ મુજબ, શ્રીલંકા ક્રિકેટના સત્તાવાર બ્રોડકાસ્ટર હોવાના કારણે સોની નેટવર્ક આ ટુર્નામેન્ટનું સંપૂર્ણ કવરેજ આપશે. આ સિવાય ઓગસ્ટ મહિનાના બીજા ભાગમાં યોજાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણીના અધિકારો પણ સોની પાસે જ સુરક્ષિત છે.
AI એ પસંદ કરી ભારતની પ્લેઇંગ 11
બીજી તરફ, મુખ્ય ભારતીય ટીમ આગામી ૬ જૂનથી અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ મહત્ત્વની મેચ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ભારતની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવામાં આવી છે. AI એ પસંદ કરેલી આ ટીમમાં યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલને ઓપનર તરીકે સ્થાન અપાયું છે, જ્યારે મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરને મજબૂતી આપવા માટે વિકેટકીપર બેટર ઋષભ પંત અને નીતીશ કુમાર રેડ્ડીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન સામેની આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે.