ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ માટે જસપ્રીત બુમરાહને ભારતની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તેના સ્થાને હર્ષિત રાણાને તક આપવામાં આવી છે. બુમરાહને બાદ કરતા ચાહકો વિચારવા લાગ્યા કે શું ભારતના આ દિગ્ગજ ઝડપી બોલરને 2026 T20 વર્લ્ડ કપ પહેલા ઇજા થઈ છે.
બુમરાહ બહાર
નોંધનીય છે કે બુમરાહ ગયા બુધવારે નાગપુરમાં રમાયેલી સીરિઝની પહેલી T20માં ભારતની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતો. તેણે પોતાની પૂરી ચાર ઓવર પણ નાખી ન હતી, ફક્ત ત્રણ ઓવર જ નાખી જે તેની ઈજા અંગે વધુ પ્રશ્નો ઉભા કરે છે. તો ચાલો જાણીએ કે બુમરાહને બીજી T20માં તક કેમ ન આપવામાં આવી.બુમરાહને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય આશ્ચર્યજનક છે કારણ કે તે પાછલી ODI સીરિઝણ રમ્યો ન હતો. આનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે માત્ર એક T20 રમ્યા પછી તેને આરામ કેમ આપવાની જરૂર પડી. જ્યારે તેની ફિટનેસ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
કેપ્ટને બુમરાહ વિશે જણાવ્યું સત્ય
રાયપુરમાં ટોસ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે બુમરાહને આરામ આપવામાં આવ્યો છે અને તે પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી. શ્રેણીમાં પાંચ મેચ રમવાની હોવાથી બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી રહેશે.હર્ષિત રાણા ઉપરાંત, સ્પિનર કુલદીપ યાદવ પણ પ્લેઇંગ ઇલેવનમાં પરત ફર્યો છે. કુલદીપ અક્ષર પટેલનું સ્થાન લે છે. અક્ષરને પહેલી T20 માં ઈજા થઈ હતી અને ત્યારબાદ તે મેદાન છોડીને ગયો હતો.
ટીમ ઇન્ડિયા સીરિઝમાં આગળ
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ સિરિઝની પહેલી મેચ 48 રનથી જીતી હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવ્યા હતા. આ ટી20 માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં, કિવી ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન જ બનાવી શકી. આમ, મેન ઇન બ્લુએ પ્રથમ T20I જીતીને સીરિઝમાં 1-0 ની લીડ મેળવી.
આ પણ વાંચો - T20 World Cup પહેલા બાબર આઝમ-શાહીન આફ્રિદીની પાકિસ્તાનની ટીમમાં વાપસી