ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવીને સેમિફાઇનલમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવી લીધું છે, જ્યારે આ હાર સાથે મોરોક્કોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. સમગ્ર મેચ દરમિયાન ફ્રાન્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું અને મોરોક્કોની ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહોતી.
ફ્રાન્સ-મોરોક્કો, એમ્બાપ્પેની પેનલ્ટી મિસ અને રોમાંચ
મેચનો પ્રથમ હાફ અત્યંત રોમાંચક રહ્યો હતો. બંને ટીમોએ ગોલ કરવા માટે ઘણી તકો ઊભી કરી હતી, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. મેચની ૨૪મી મિનિટે ફ્રાન્સ પાસે લીડ મેળવવાની સુવર્ણ તક હતી, જ્યારે મોરોક્કોના ડિફેન્ડરે પેનલ્ટી બોક્સ (D) ની અંદર કિલિયન એમ્બાપ્પેને ફાઉલ કર્યો હતો. ફ્રાન્સને પેનલ્ટી એનાયત કરવામાં આવી, પરંતુ મોરોક્કોના ગોલકીપરની ચપળતા અથવા નસીબના જોરે એમ્બાપ્પે આ પેનલ્ટી ચૂકી ગયો અને પ્રથમ હાફ ૦-૦ની બરાબરી પર સમાપ્ત થયો.
ફ્રાન્સનો વળતો પ્રહાર
બીજા હાફમાં ફ્રાન્સે રમતની ગતિ બદલી નાખી અને માત્ર ૬ મિનિટના અંતરાલમાં બે ગોલ કરીને મેચ પોતાના નામે કરી લીધી. ૬૦મી મિનિટ: પ્રથમ હાફની ભૂલ સુધારતા, કિલિયન એમ્બાપ્પેએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને ફ્રાન્સને ૧-૦ની લીડ અપાવી. ૬૬મી મિનિટ: ફ્રાન્સના આક્રમણને ચાલુ રાખતા ઓસ્માન ડેમ્બેલેએ બીજો ગોલ ફટકારીને સ્કોર ૨-૦ કરી દીધો. આ બેક-ટુ-બેક ગોલ બાદ મોરોક્કો દબાણમાં આવી ગયું અને અંતિમ સીટી વાગવા સુધી વાપસી કરી શક્યું નહીં. ફ્રાન્સે ૨-૦થી આ મેચ જીતીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી.
સેમિફાઇનલમાં કોની સામે થશે ટક્કર?
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. બુધવાર, ૧૫ જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર (IST) રાત્રે ૧૨:૩૦ વાગ્યે મેચ રમાશે. ફિફા વર્લ્ડકપમાં પોર્ટુગલ બહાર થતા રોનાલ્ડોને જોવા આતુર તેના ચાહકોમાં ઉત્સાહ ઘટયો છે. છતાં મેસ્સી અને એમ્બાપ્પેની શાનદાર રમત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ફ્રાન્સે મોરોક્કોને હરાવીને સેમીફાઈનલની ટીકીટ મેળવી લીધી છે. હવે તેની સામે કઈ ટીમ આવશે સ્પેન -બેલ્જિયમની મેચના આગામી પરિણામો કહેશે.
આ પણ વાંચો : FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલ માટે 8 ટીમ નક્કી,જાણો સંપૂર્ણ શેડ્યુલ