ભારતે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પહેલી વાર એવું બન્યું છે કે કોઈ એક ટેસ્ટ સિરીઝમાં પાંચ ભારતીય બેટ્સમેનોએ 400 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ ઐતિહાસિક સિદ્ધિમાં કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, કે.એલ. રાહુલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.

ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વાર કીર્તિમાન સ્થપાયો
ટીમ ઈન્ડિયા 1932 થી ટેસ્ટ મેચ રમી રહી છે અને 93 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે પાંચ ભારતીય બેટ્સમેનોએ એક જ ટેસ્ટ સિરીઝમાં 400+ રન બનાવ્યા છે. આ યાદીમાં સૌપ્રથમ છે કેપ્ટન શુભમન ગિલ જેમણે 10 ઇનિંગમાં 754 રન ફટકાર્યા. તેમના બાદ કેએલરાહુલે 10 ઇનિંગમાં 532 રન, રવિન્દ્ર જાડેજાએ 516 રન, રિષભ પંતે માત્ર 7 ઇનિંગમાં 479 રન અને યશસ્વી જયસ્વાલે 10 ઇનિંગમાં 411 રન બનાવ્યા. આ આંકડાઓ સાબિત કરે છે કે ભારતીય બેટ્સમેનો સતત અને સમૂહમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને નવી ઉંચાઇએ પહોંચાડી રહ્યા છે.

શુભમન ગિલે અનેક રેકોર્ડ્સ તોડ્યા
આ સિરીઝ પહેલા ઘણા ક્રિકેટ વિશ્લેષકોએ ટીમ ઈન્ડિયાને ફેવરેટ નહોતું માન્યુ અને કહ્યું હતું કે ઈંગ્લેન્ડ આ સિરીઝ જીતી જશે. પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ પોતાનો દમ દેખાડીને ઈંગ્લેન્ડ સામે કડક ટક્કર આપી. સિરીઝ દરમિયાન થોડી ભૂલો પણ થઈ, જેના કારણે ટીમ ઈન્ડિયા લીડ્સ અને લોર્ડ્સમાં તંગ મુકાબલા હારી ગઈ. નહિતર, ભારત આ સિરીઝ પણ જીતી જ ગયું હોત. કેપ્ટન તરીકે ગિલે આ સિરીઝમાં આગળ વધીને નેતૃત્વ કર્યું અને શાનદાર બેટિંગ કરી. તેમણે આ સિરીઝમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા. ગિલે આ ટેસ્ટ સિરીઝમાં 754 રન બનાવી જૂના અનેક રેકોડ્સ તોડ્યા.
  • Follow us on: