ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I આજે રાયપુરમાં રમાશે. નાગપુરમાં પહેલી મેચ 48 રનથી જીતીને ટીમ ઈન્ડિયા પહેલાથી જ સીરિઝમાં લીડ મેળવી ચૂકી છે અને હવે આ લીડને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે. જોકે, આ મેચ પહેલા ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે.
અક્ષર પટેલની ઈજા ચિંતાનો વિષય
બીજી T20I પહેલા ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય ઉભરી આવ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલને પહેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. BCCI એ હજુ સુધી તેની ફિટનેસ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. જો અક્ષર બીજી T20Iમાં રમી શકશે નહીં, તો કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે, જે સ્પિન આક્રમણને વધુ મજબૂત બનાવે છે.
નાગપુરની જીતથી ભારતનું મનોબળ વધ્યું
પ્રથમ T20I માં ભારતની જીતનો હીરો અભિષેક શર્મા હતો. તેણે માત્ર 35 બોલમાં 84 રન બનાવીને ન્યૂઝીલેન્ડના બોલરોની હાલત ખરાબ કરી નાખી હતી. આ દરમિયાન રિંકુ સિંહે 20 બોલમાં અણનમ 44 રન બનાવીને વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી. બીજી મેચમાં ઓપનિંગ જોડી પાસેથી પણ આવી જ વિસ્ફોટક શરૂઆતની અપેક્ષા રાખવામાં આવશે.બેટિંગ ઓર્ડરની વાત કરીએ તો, સંજુ સેમસન ફરી એકવાર અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ઇશાન કિશન પહેલી મેચમાં સારો દેખાવ કરી શક્યો ન હતો, પરંતુ T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હોવાથી તેને બીજી તક મળી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલી મેચમાં 32 રન બનાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો દર્શાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને શિવમ દુબે મિડલ ઓર્ડરમાં ટીમને સંતુલન પૂરું પાડશે.
બોલિંગ બુમરાહ અને અર્શદીપ પાસેથી અપેક્ષાઓ
જો અક્ષર આઉટ થાય છે, તો ફિનિશર તરીકે રિંકુ સિંહ પાસે વધુ જવાબદારી હશે. બોલિંગ વિભાગમાં કુલદીપ યાદવ સાથે જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને બુમરાહ અને અર્શદીપ સિંહ પાસેથી નવા બોલ સાથે શરૂઆતની વિકેટ લેવાની અપેક્ષા રાખવામાં આવશે.
બીજી ટી20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી
