ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટેસ્ટ સીરિઝ જીતી હતી.બે ઓવલ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 323 રનથી હરાવીને ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી હતી. સીરિઝની પહેલી ટેસ્ટ ડ્રો રહી હતી, જ્યારે વેલિંગ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવ્યું હતું.
જેકોબ ડફીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવી
ત્રીજી ટેસ્ટમાં સદી અને બેવડી સદી ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે ટેસ્ટ સીરિઝ દરમિયાન બોલથી વિનાશ વેરનાર જેકોબ ડફીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. 462 રનના લક્ષ્યનો પીછો કરતા, જેકબ ડફીની ઘાતક બોલિંગે કેરેબિયન બેટ્સમેનોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી હતી. વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગ દરમિયાન, ડફીએ માત્ર 42 રનમાં 5 વિકેટ લીધી હતી. આ 5 વિકેટે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર સર રિચાર્ડ હેડલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હકીકતમાં, જેકબ ડફી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ મેળવનાર કિવી બોલર બની ગયો છે. આ વર્ષે, તેણે ત્રણેય ફોર્મેટમાં 36 મેચમાં કુલ 81 વિકેટ લીધી. આ પહેલા, આ રેકોર્ડ હેડલીના નામે હતો, જેમણે 1985 માં 23 મેચમાં 79 વિકેટ લીધી હતી.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ મેળવનારા ન્યુઝીલેન્ડના બોલરો
જેકોબ ડફી - 81
સર રિચાર્ડ હેડલી - 79
ડેનિયલ વેટોરી - 76
ટ્રેન્ટ બોલ્ટ - 72
2025 માં બોલ સાથે વિનાશક પ્રદર્શન
નોંધનીય છે કે 31 વર્ષીય જેકોબ ડફીએ આ વર્ષે ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ટેસ્ટમાં માત્ર બે વિકેટ લીધા બાદ, ડફીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ત્રણ મેચમાં કુલ 23 વિકેટ લીધી, જેમાં ત્રણ પાંચ વિકેટનો સમાવેશ થાય છે. 2025 માં, જેકબે ચાર ટેસ્ટ મેચમાં 25 વિકેટ અને 11 ODI માં 21 વિકેટ લીધી. તેણે 21 T20I માં 35 વિકેટ પણ લીધી. ડફી આ વર્ષે ૮૧ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
2025માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
જેકોબ ડફી - 81
બ્લેસિંગ મુઝારાબાની - 65
મેટ હેનરી - 65
અલી દાઉદ - 63
કુલદીપ યાદવ - 60