21 વર્ષના આ યુવા બેટ્સમેને IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સને માટે એવી ઇનિંગ રમી કે હારતી મેચને જીતમાં ફેરવી દીધી.કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે 9 એપ્રિલે રમાયેલી મેચમાં LSG એક સમયે 16 ઓવરમાં 128/7 પર સંઘર્ષ કરી રહી હતી. જીત લગભગ અશક્ય લાગી રહી હતી, પરંતુ મુકુલે જવાબદારી લીધી અને 27 બોલમાં અણનમ 54 રન બનાવી ટીમને યાદગાર જીત અપાવી.


પંતની સલાહ બની ગેમ ચેન્જર

મેચ પછી મુકુલે જણાવ્યું કે કેપ્ટન ઋષભ પંતની સલાહે તેની વિચારસરણી બદલી. તેણે કહ્યું, “હું પહેલા ઉતાવળ કરતો હતો, પરંતુ હવે પ્રોસેસ પર ધ્યાન આપું છું. મેં પંત ભૈયા સાથે વાત કરી, તેમણે કહ્યું – વધારે વિચારશો નહીં, બોલ જુઓ અને મારો. વધુ વિચારશો તો પ્રેશર વધશે.” આ સલાહ મુકુલ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.

128/7 થી લખનઉને જીત અપાવી

જ્યારે સતત વિકેટ પડી રહી હતી ત્યારે મુકુલે ધીરજ રાખી. તેણે કહ્યું, “જ્યારે આયુષ ભૈયા આઉટ થયા ત્યારે લાગ્યું કે હવે મને જવાબદારી લેવી પડશે. મેં ફક્ત મેચને અંત સુધી લઈ જવાનું વિચાર્યું, જીત-હાર વિશે નહીં.” આ વિચારસરણીથી તે અંત સુધી ટકી રહ્યો અને મેચ ફિનિશ કરી.

છેલ્લી ઓવરમાં મુકુલે મેચ જીતી

છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી. 4 બોલમાં 7 રન બાકી હતા, છતાં મુકુલ આત્મવિશ્વાસથી ભરેલો હતો. તેણે કહ્યું, “મને ખબર હતી કે બોલર એક બોલ મિસ કરશે અને એ જ બોલ પર છક્કો મારવો છે.” પ્રથમ બે બોલ ડોટ ગયા, પરંતુ અંતે તક મળી અને મુકુલે મેચ સમાપ્ત કરી દીધી.

પ્રેશર વિશે મુકુલ શું બોલ્યો?

મુકુલે કહ્યું કે પ્રેશર દરેક ખેલાડી પર હોય છે. “આ મારું પહેલું સીઝન છે. પ્રેક્ટિસ મેચમાં પણ પ્રેશર હોય છે. ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યા પછી જ અહીં તક મળે છે અને એ જ ઓળખ બનાવવાનો મોકો છે.”

કોણ છે મુકુલ ચૌધરી?

મુકુલ ચૌધરી રાજસ્થાન માટે ઘરેલુ ક્રિકેટ રમતા વિકેટકીપર-બેટ્સમેન છે. અંડર-23 લેવલ પર તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. Syed Mushtaq Ali Trophy 2025-26માં તેમણે 5 ઇનિંગમાં 173 રન બનાવ્યા અને તેમનો સ્ટ્રાઈક રેટ 198.85 રહ્યો. તેમની આ જબરદસ્ત ફોર્મને જોતા LSG એ IPL 2026ની હરાજીમાં તેમને 2.60 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો.

  • Follow us on: