વર્ષ 2028 માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસી થવાની છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCએ ક્રિકેટની ઓલિમ્પિક ક્વોલિફિકેશન પ્રક્રિયા અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. મહિલા અને પુરુષોની સ્પર્ધા માટે અંતિમ સ્થાન મેળવવા ક્વોલિફાયર યોજાશે.આ ટુર્નામેન્ટ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2028માં યોજાવાની છે.બંને સ્પર્ધામાં 8-8 ટીમો ભાગ લેશે,જ્યારે ક્વોલિફાયરના સ્થળની જાહેરાત હજુ બાકી છે.

124 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી

લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.વર્ષ 1900 બાદ પ્રથમ વખત ક્રિકેટ ઓલિમ્પિકમાં રમાશે.આ સાથે વિશ્વભરના ક્રિકેટ ચાહકોને ઓલિમ્પિકના મંચ પર પોતાના મનપસંદ ખેલાડીઓને રમતા જોવાની તક મળશે.મહિલા અને પુરુષોની સ્પર્ધામાં 6-6 ટીમો ભાગ લેશે. આ માટે ICCએ ક્વોલિફિકેશનના નિયમો નક્કી કર્યા છે. પાંચ ટીમોને નિર્ધારિત નિયમો હેઠળ સીધો પ્રવેશ મળશે,જ્યારે બાકીના એક સ્થાન માટે ક્વોલિફાયર યોજાશે.અગાઉ આ ક્વોલિફાયર 2027માં યોજવાનું આયોજન હતું, પરંતુ હવે તેને જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028માં યોજવાની યોજના છે. આ ફેરફારને કારણે વિવિધ દેશોની ટીમોએ પોતાની તૈયારી અને ક્વોલિફિકેશનની રણનીતિમાં ફેરફાર કરવો પડી શકે છે.

મહિલા ક્રિકેટમાં ભારત સહિત 4 ટીમોને સ્થાન

મહિલા ક્રિકેટની ઓલિમ્પિક સ્પર્ધા માટે ઓસ્ટ્રેલિયા,ભારત,દક્ષિણ આફ્રિકા અને ગ્રેટ બ્રિટને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ટીમોને સંબંધિત ખંડોમાંથી લાયકાત ધરાવતી ટોચની ટીમો તરીકે સ્થાન મળ્યું છે.આ પસંદગીમાં 2026ના મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમોના પ્રદર્શનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. હવે બાકીનાં બે સ્થાનો માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયા પર નજર રહેશે.બીજી તરફ,અમેરિકાની મહિલા ટીમ માટે યજમાન તરીકે સીધો પ્રવેશ મેળવવો પણ નિયમો પર આધારિત છે. ICCના અગાઉ જાહેર કરાયેલા નિયમો અનુસાર, અમેરિકાની ટીમે નિર્ધારિત સમયગાળામાં T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચની 15 ટીમોમાં સ્થાન મેળવવું જરૂરી છે.જો અમેરિકાની મહિલા ટીમ આ શરત પૂરી નહીં કરી શકે, તો બાકીના સ્થાન માટે વૈકલ્પિક ક્વોલિફિકેશન નિયમ લાગુ થઈ શકે છે.

પુરુષોની સ્પર્ધામાં અમેરિકાને મળી શકે છે સીધો પ્રવેશ

પુરુષોની ઓલિમ્પિક ક્રિકેટ સ્પર્ધામાં પણ 6 ટીમો ભાગ લેશે.ICCના ક્વોલિફિકેશન માળખા અનુસાર,એશિયા,આફ્રિકા,યુરોપ અને ઓશનિયા ખંડની ટોચની લાયકાત ધરાવતી ટીમોને T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધારે સ્થાન મળશે.આ માટે 31 ડિસેમ્બર 2026ની રેન્કિંગ મહત્ત્વપૂર્ણ રહેશે. અમેરિકાની પુરુષ ટીમ પણ યજમાન તરીકે સીધો પ્રવેશ મેળવવાની શરતો હેઠળ આવે છે.જોકે,આ માટે નિર્ધારિત સમયગાળામાં ટીમે T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચની 15 ટીમોમાં સ્થાન જાળવવું જરૂરી છે.ક્વોલિફાયરમાં ભાગ લેનારી ટીમો માટે એક જ સ્થાન મેળવવાની તક હશે, તેથી ટોચની ટીમો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી શકે છે.

2028માં મહિલા અને પુરુષ T20 વર્લ્ડ કપ પણ યોજાશે

ICCના કાર્યક્રમ મુજબ વર્ષ 2028માં મહિલા અને પુરુષ T20 વર્લ્ડ કપ પણ યોજાવાના છે. મહિલા T20 વર્લ્ડ કપ 7 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રમાવાનો છે, જ્યારે પુરુષોનો T20 વર્લ્ડ કપ 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે.મહિલાઓની સ્પર્ધામાં 12 ટીમો અને પુરુષોની સ્પર્ધામાં 20 ટીમો ભાગ લેશે. બંને ટુર્નામેન્ટ વચ્ચે માત્ર 11 દિવસનું અંતર રહેશે.આ ઉપરાંત, ICCએ વર્ષ 2029માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ફરીથી ઇંગ્લેન્ડને યજમાન તરીકે પસંદ કર્યું છે.

હવે ક્વોલિફાયરના સ્થળ પર નજર

LA 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ ખેલાડીઓ અને ચાહકો માટે મોટી તક છે.હવે ક્વોલિફાયરની તારીખો નક્કી થતાં ટીમો માટે તૈયારીનું આયોજન સરળ બનશે.જોકે, ક્વોલિફાયર ક્યાં યોજાશે અને તેમાં ભાગ લેનારી તમામ ટીમો કઈ હશે તે અંગેની વિગતો હજુ જાહેર થવાની બાકી છે. આગામી સમયમાં ICCની જાહેરાતો ઓલિમ્પિક ક્રિકેટની ક્વોલિફિકેશન પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરશે.

આ પણ  વાંચો - Mumbai Indiansની એક પોસ્ટ અને ચર્ચા શરૂ! શું હાર્દિક પંડ્યાનું પત્તું કપાશે?