બાંગ્લાદેશમાં નવી સરકારની રચના થતાની સાથે જ પડોશી દેશ ભારત સાથેના સંબંધોમાં એક નવો આશાવાદ જાગ્યો છે. ખાસ કરીને ક્રિકેટના મેદાનમાં સર્જાયેલી ખટાશને દૂર કરવા માટે નવા રમતગમત મંત્રી અમીનુલ હકે ગંભીર પ્રયાસો શરૂ કર્યા છે. તેમણે તાજેતરમાં જ સંસદ ભવનમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુલાકાત કરી હતી અને ભારત તેમજ BCCI સાથેના સંબંધોને ફરીથી મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.


T20 વર્લ્ડ કપનો અફસોસ

અમીનુલ હકે સ્વીકાર્યું હતું કે રાજદ્વારી ગૂંચવણો અને અગાઉની સરકારના કેટલાક નિર્ણયોને કારણે બાંગ્લાદેશની ટીમ વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકી નથી. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાઈ રહી છે. અગાઉની બાંગ્લાદેશ સરકારે સુરક્ષા અને ભૂ-રાજકીય કારણોસર પોતાની ટીમને ભારતમાં રમવા મોકલવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે ICCએ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને તક આપી હતી.

વિવાદનું કારણ અને ભૂતકાળની કડવાશ

ક્રિકેટ વર્લ્ડમાં તણાવ ત્યારે વધ્યો હતો જ્યારે IPL 2026 દરમિયાન ભારત સરકારે સુરક્ષાના કારણોસર મુસ્તફિઝુર રહેમાન જેવા ખેલાડીઓ અંગે કેટલાક કડક વલણો અપનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ પર પાકિસ્તાનનું દબાણ હોવાની અટકળો પણ તેજ બની હતી, જેને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાની ના પાડી દીધી હતી. જોકે, અમીનુલ હકે હવે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પડોશી દેશો સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ઈચ્છતા નથી અને "પ્રામાણિક અને સૌહાર્દપૂર્ણ" સંબંધો બનાવવા માંગે છે.

ICC તરફથી મળેલી રાહત

બાંગ્લાદેશ માટે રાહતના સમાચાર એ છે કે ICCએ ભારતમાં રમવાનો ઇનકાર કરવા બદલ તેમના પર કોઈ મોટો દંડ કે પ્રતિબંધ મૂક્યો નથી. એટલું જ નહીં, 2031માં યોજાનારા મેન્સ ODI વર્લ્ડ કપના સંયુક્ત યજમાન તરીકે ભારત અને બાંગ્લાદેશ સાથે મળીને કામ કરશે. તે પૂર્વે બાંગ્લાદેશને એક ખાસ ICC ઇવેન્ટનું આયોજન કરવાની તક પણ આપવામાં આવી છે, જે તેમના ક્રિકેટ બોર્ડ (BCB) માટે નવી શરૂઆત સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ North Korea એ તૈનાત કર્યા 50 પરમાણુ સક્ષમ રોકેટ લોન્ચર, જુઓ Photo 


  • Follow us on: