ભારતને બે-બે વર્લ્ડ કપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોની આજે ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યો હોય, પરંતુ ભારતીય ક્રિકેટ સાથે તેનો સંબંધ યથાવત છે. ભારતીય ક્રિકેટ બોર્ડ માત્ર પોતાના એક્ટિવ પ્લેયર્સનું જ ધ્યાન નથી રાખતી, પરંતુ નિવૃત્તિ પછી પણ તેને પેન્શન આપે છે. આર્થિક સુરક્ષાનું ધ્યાન રાખે છે. આ પેન્શન સિસ્ટમ અંતર્ગત ભૂતપૂર્વ કેપ્ટન માહીને પણ દર વર્ષે એક નક્કી રકમ મળે છે. ત્યારે તમને પણ સવાલ થયો હશે કે, કરોડો રૂપિયાની કમાણી કરનાર કેપ્ટન કૂલને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી કેટલું પેન્શન મળે છે?
BCCI દર મહિને 70 હજાર રૂપિયા પેન્શન આપે છે
જાણકારી અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીને BCCI દર મહિને 70 હજાર રૂપિયા પેન્શન આપે છે. ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના આધારે ધોની પૂર્વ ટેસ્ટ ક્રિકેટર્સની ટોપ કેટેગરીમાં આવે છે, જેનું પેન્શન 50 હજાર રૂપિયાથી વધીને 70 હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું.દિગ્ગજ ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને પણ 70 હજાર રૂપિયા પેન્શન મળે છે. યુવરાજ સિંહને 60 હજાર રૂપિયા પેન્શન મળે છે, જ્યારે વિનોદ કાંબલીને દર મહિને 30 હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવે છે.













