T20 વર્લ્ડ કપ 2026ની ચોથી મેચમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો છ. અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા, જે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. આ રીતે, અફઘાનિસ્તાને ભારતનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ, T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ભારતે બનાવ્યો હતો. વર્ષ 2007માં ટીમ ઈન્ડિયાએ કિવી ટીમ સામે 180/9 બનાવ્યા હતા, પરંતુ હવે અફઘાનિસ્તાને 182 રન બનાવીને આ રેકોર્ડને વટાવી દીધો છે.
ગુલબદીને શાનદાર અડધી સદી ફટકારી
ગુલબદીન નાયબ અફઘાનિસ્તાન માટે આ વિસ્ફોટક ઈનિંગનો હીરો હતો. લગભગ બે વર્ષ પછી ત્રીજા નંબર પર બેટિંગ કરતા નાયબે 35 બોલમાં 63 રનની આક્રમક ઈનિંગ રમી. તેની ઈનિંગે મેચને અફઘાનિસ્તાનના પક્ષમાં ફેરવી દીધી. ચેપોક પીચ પર જે ઉછાળો અને ધીમા બોલરોને સહાય પૂરી પાડતી હતી, નાયબે મોટા શોટ રમ્યા અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. નાયબ ઉપરાંત, રસુલી અને ઓમરઝાઈએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બંને બેટ્સમેનોએ ઝડપથી સ્કોર આગળ ધપાવ્યો, ખાસ કરીને અંતિમ ઓવરોમાં અફઘાન બેટ્સમેનોએ રન રેટ ઝડપી બનાવ્યો.













