બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ જઈને દ્વિપક્ષીય શ્રેણી રમે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી હજુ સુધી આ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન BCCIએ અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીની જાહેરાત કરી છે, જેના કારણે ભારતના બાંગ્લાદેશ પ્રવાસની શક્યતાઓ ઓછી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી

જોકે, હવે BCCIના એક સૂત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ પ્રવાસ હજુ રદ થયો નથી. અંતિમ નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે. BCCIના સૂત્રના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ પ્રવાસને લઈને સરકારના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હાઈ કમિશનર સાથે સતત સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે.

બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી

BCCIના સૂત્રએ જણાવ્યું કે બાંગ્લાદેશ પ્રવાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે. બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે સંબંધો હજુ પણ સારા છે અને BCCI હાલમાં સરકાર તરફથી મળનારા સંકેતની રાહ જોઈ રહ્યું છે. જો સરકાર પ્રવાસને મંજૂરી આપે છે, તો ત્યારબાદ શ્રેણીની તારીખો નક્કી કરવામાં આવશે. હાલમાં આ શ્રેણી માટે કોઈ સમયગાળો નક્કી કરવામાં આવ્યો નથી.

BCBએ 6 મેચની શ્રેણીનો પ્રસ્તાવ આપ્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મર્યાદિત ઓવરોની શ્રેણી યોજવાનો પ્રસ્તાવ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે BCCI સમક્ષ મૂક્યો છે. આ શ્રેણીમાં કુલ છ મેચ રમાવાની યોજના છે. તેમાં ત્રણ વનડે અને ત્રણ T20I મેચનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, BCBના અધ્યક્ષે પણ BCCI સાથે ભારતના પ્રવાસ અંગે ચર્ચા કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશના નિર્ણય બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. બાંગ્લાદેશે સુરક્ષાને કારણ દર્શાવીને વર્લ્ડ કપ માટે ભારત ન આવવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના મેચો શ્રીલંકામાં રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ તેની માંગ સ્વીકારી નહોતી. પરિણામે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં રમ્યું નહોતું.

આ ઘટનાના બાદ BCBએ ભારત સાથે ક્રિકેટ સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ ફરી શરૂ થાય તેવી આશા છે. જોકે, ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય થઈ શકશે.

હાલમાં BCCI અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો મંજૂરી મળે છે તો ત્રણ વનડે અને ત્રણ T20Iની શ્રેણી માટે નવી તારીખો નક્કી થઈ શકે છે. તેથી ભારતીય ટીમ બાંગ્લાદેશ જશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય માટે હજુ રાહ જોવી પડશે.