ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ 51 રનથી હારી ગઈ. 214 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. હારનું સૌથી મોટું કારણ બેટિંગ ઓર્ડર સાથે સતત પ્રયોગો હતા, જેનું કનેક્શન ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે જોડાયેલું છે.વાત એમ છે કે,ગૌતમ ગંભીર બેટિંગ પોઝિશનને “ઓવરરેટેડ” માને છે.હકીકતમાં,ગૌતમ ગંભીરે તાજેતરમાં વ્હાઈટ-બોલ ક્રિકેટ અંગે મોટું નિવેદન આપ્યું હતું અને તેણે વ્હાઈટ-બોલ ક્રિકેટમાં બેટિંગ ઓર્ડરને ‘ઓવરરેટેડ’ ગણાવ્યું હતું. ગૌતમ ગંભીર ઘણીવાર કહી ચૂક્યો છે કે, ઓપનર્સને છોડીને બાકીના બેટ્સમેનોએ ક્યાંય પણ રમવા માટે તૈયાર રહેવું જોઈએ.આ મેચમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું,જે ટીમ ઈન્ડિયા પર ભારે પડી ગયું.
શું ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી?
ગૌતમ ગંભીરની આ વિચારસરણીની સીધી અસર મેચમાં જોવા મળી અને તે સંપૂર્ણપણે નેગેટિવ સાબિત થઈ. આ મેચમાં સતત ફ્લોપ ચાલી રહેલા શુભમન ગિલને ફરીથી ઓપનર તરીકે તક આપવામાં આવી અને પરિણામે તે પહેલી જ બોલ પર શૂન્ય પર આઉટ થયા.ત્યારબાદ ટીમને એક ઇન-ફોર્મ બેટ્સમેનની જરૂર હતી પરંતુ અક્ષર પટેલને નંબર-3 પર મોકલવામાં આવ્યો, જ્યારે તે સામાન્ય રીતે લોઅર ઓર્ડરમાં રમે છે. દબાણમાં તેણે 21 બોલમાં ફક્ત 21 રન બનાવ્યા અને રન-ચેઝ દરમિયાન ટીમ પર દબાણ જોવા મળ્યું.સૂર્યકુમાર યાદવ, જે નિયમિતપણે ત્રીજા નંબર પર બેટિંગ કરે છે, તેને ચોથા નંબર પર ખસેડવામાં આવ્યો. સૂર્યકુમાર યાદવે આ મેચમાં ફક્ત 5 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગયા મેચમાં નંબર-3 પર રમેલા તિલક વર્માને આ વખતે પાંચમા નંબર પર ધકેલવામાં આવ્યો. તેણે 62 રનની લડાયક ઇનિંગ્સ તો રમી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું.બીજી તરફ, વિસ્ફોટક બેટ્સમેન શિવમ દુબેને આઠમા નંબરે મોકલવામાં આવ્યો, જ્યાં તે ફક્ત 1 રન બનાવી આઉટ થઈ ગયો.
