ભારતીય ટેસ્ટ ટીમમાં બહુ ઓછા વિકેટકીપર રહ્યા છે જેમણે બેટથી પણ સારો પ્રભાવ પાડ્યો હોય. અનુભવી મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે. જેના કારણે આ બંને વચ્ચે સરખામણી થઈ રહી છે. હવે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંતમાંથી કોણ શ્રેષ્ઠ ટેસ્ટ વિકેટકીપર બેટ્સમેન છે. આ ચર્ચા પર આકાશ ચોપરાએ આશ્ચર્યજનક અભિપ્રાય આપ્યો છે.


ધોની અને પંતમાંથી ટેસ્ટમાં નંબર 1 વિકેટકીપર કોણ?

મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંત વચ્ચેની સરખામણી અંગે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ જણાવ્યું હતું કે, 'મહેન્દ્ર સિંહ ધોની મેચ અને રનની સંખ્યાના સંદર્ભમાં ટોચ પર છે. તેણે 90 મેચ, 144 ઇનિંગ્સ રમી છે 38.09ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે અને તેમના નામે છ સદી છે. રિષભ પંતે છેલ્લા 5 વર્ષમાં 6 સદી ફટકારી છે. જો આપણે એકંદરે જોઈએ તો, રિષભ પંત પહેલાથી જ 8 સદી ફટકારી ચૂક્યો છે અને ધોનીએ 6 સદી ફટકારી હતી. રિષભ પંત પહેલાથી જ રનની દ્રષ્ટિએ બીજા સ્થાને છે તે મહેન્દ્ર સિંહ ધોનીથી 1400 રન પાછળ છે અને લગભગ અડધી મેચ રમી ચૂક્યો છે. જો તે વધુ રમે છે તો તે ચોક્કસપણે ધોનીને પાછળ છોડી દેશે.

આકાશ ચોપરાએ રિષભ પંતની કરી પ્રશંસા

ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન રિષભ પંતની પ્રશંસા કરતા આકાશ ચોપરાએ કહ્યું હતુ કે, 'જો આપણે ઇંગ્લેન્ડમાં વિકેટકીપર દ્વારા સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ પર નજર કરીએ તો પંત એકમાત્ર ખેલાડી છે જેણે ઇંગ્લેન્ડમાં 1000 રન બનાવ્યા છે. તેણે 4 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે 13 મેચ અને 24 ઇનિંગ્સમાં 1000થી વધુ રન બનાવ્યા છે. જો આપણે અત્યાર સુધી વિશ્વના તમામ ટેસ્ટ વિકેટકીપરોની યાદી જોઈએ તો, એડમ ગિલક્રિસ્ટે 96 મેચોમાં 47.60 ની સરેરાશથી 5570 રન બનાવ્યા છે. તે તેનાથી ઘણો આગળ છે. જોકે, ગિલક્રિસ્ટને પણ પાછળ છોડી શકાય છે કારણ કે પંત તેનાથી લગભગ 2250 રન પાછળ છે.  તે ભારતના અત્યાર સુધીના નંબર 1 વિકેટકીપર-બેટ્સમેનમાંથી એક તરીકે ઉભરી આવશે.'

  • Follow us on: