2026નો T20 વર્લ્ડ કપ આવતા મહિને 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરશે, જેની ફાઇનલ મેચ 8 માર્ચે યોજાશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે, જેમાં અભિષેક શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા મેચ વિનર ખેલાડીઓ હશે. જોકે, ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર માને છે કે અભિષેક શર્મા કે જસપ્રીત બુમરાહ નહીં, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોટો ગેમ-ચેન્જર બનશે.
ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો ગેમ ચેન્જર : શોએબ અખ્તર
ટીમ ઈન્ડિયામાં જોડાયા પછી, અભિષેક ટી20 ટીમનો મુખ્ય બેટ્સમેન બની ગયો છે. તેની વિસ્ફોટક બેટિંગે ભારતને ઘણી પ્રભાવશાળી જીત અપાવી છે. આ જ શૈલી બોલરો માટે દુઃસ્વપ્ન બની ગઈ છે. તેથી, તેમાં કોઈ શંકા નથી કે આખી દુનિયા તેનો સામનો કરવા માટે તૈયાર હશે. જોકે, અખ્તરના મતે, ટીમના કેપ્ટન સૂર્યકુમાર ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ભારતનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે 2025માં રમાયેલી 19 T20 ઇનિંગ્સમાં માત્ર 218 રન જ બનાવ્યા હતા. ગયા વર્ષે તેની સરેરાશ માત્ર 13.63 હતી. આમ છતાં, શોએબ અખ્તર માને છે કે સૂર્યકુમાર યાદવ 2026ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો સ્ટાર બનશે.
ટી20 વર્લ્ડ કપને લઈ શોએબ અખ્તરનું મોટું નિવેદન
શોએબ અખ્તરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી અને તે ટી20 વર્લ્ડ કપ જીતવાનો મજબૂત દાવેદાર લાગે છે. અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે જો ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીતવો હોય, તો કેપ્ટન સૂર્યકુમાર યાદવે રન બનાવવા જ પડશે, જે પાકિસ્તાનના આ દિગ્ગજ બોલરના મતે ટીમ ઈન્ડિયા માટે મોટો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અખ્તરે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભારતે વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય, તો કેપ્ટને કોઈપણ કિંમતે રન બનાવવા જ પડશે.
સારો કેપ્ટન, પરંતુ વ્યક્તિગત પ્રદર્શન ઘટ્યું
સૂર્યકુમાર યાદવે ભારતીય ટી20 કેપ્ટન બન્યા પછી એક પણ સીરિઝ હાર્યા નથી. તેમની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 38 ટી20 મેચમાંથી 28 જીતી છે અને ફક્ત 6 હાર્યા છે. કેપ્ટન તરીકે સૂર્યાની જીતની ટકાવારી 80.55 છે. જોકે, કેપ્ટન બન્યા પછી, સૂર્યકુમાર યાદવના વ્યક્તિગત પ્રદર્શનમાં ઘટાડો થયો છે.