સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ લાંબા સમયથી દુનિયાની સૌથી ખતરનાક ક્રિકેટ ટીમોમાંની એક રહી છે. આ ટીમે જેક્સ કાલિસ, જોન્ટી રોડ્સ અને એબી ડી વિલિયર્સ જેવા વિશ્વ ક્રિકેટને મહાન ખેલાડીઓ આપ્યા છે.


પરંતુ સાઉથ આફ્રિકાની ટીમને ઘણીવાર 'ચોકર્સ' કહેવામાં આવે છે. આ ટીમને 'ચોકર્સ'નું નામ કેવી રીતે મળ્યું, અહીં તમને આ સવાલનો જવાબ મળશે.

સાઉથ આફ્રિકાને કેમ કહેવામાં આવે છે 'ચોકર્સ'?

સાઉથ આફ્રિકા દુનિયાની બેસ્ટ ક્રિકેટ ટીમોમાંની એક રહી છે, પરંતુ ઘણીવાર હાઈ-પ્રોફાઈલ ટુર્નામેન્ટ અથવા દબાણથી ભરેલી મેચોમાં આ ટીમ પોતાનો જુસ્સો ગુમાવી દે છે. સાઉથ આફ્રિકાએ અત્યાર સુધી ફક્ત એક જ ICC ટ્રોફી જીતી છે. સાઉથ આફ્રિકાએ 1998માં ICC નોકઆઉટ ટ્રોફી/ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ તે પછી, સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચવા છતાં, સાઉથ આફ્રિકા મોટા ટાઈટલથી વંચિત રહ્યું છે.

વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા ઘણી વખત સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચ્યું છે, પરંતુ મોટાભાગે હાર્યું છે. ગયા વર્ષે જ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2024 T20 વર્લ્ડકપની ફાઈનલ રમાઈ રહી હતી. સાઉથ આફ્રિકાને છેલ્લી 5 ઓવરમાં ફક્ત 30 રન બનાવવાના હતા અને ટીમ પાસે 6 વિકેટ બાકી હતી. તેમ છતાં, સાઉથ આફ્રિકાની ટીમ દબાણમાં પડી ભાંગી અને 7 રનથી મેચ હારી ગઈ.

ચાર વાર વર્લ્ડકપ સેમીફાઈનલમાં મળી હાર

સાઉથ આફ્રિકા ટીમનું નસીબ ખરાબ રહ્યું હતું, અત્યાર સુધી 1992, 1999, 2015 અને 2023 ODI વર્લ્ડકપ સેમીફાઈનલ મેચમાં આવીને હારી ચૂકી છે. સાઉથ આફ્રિકા 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પણ પહોંચ્યું હતું, પરંતુ ત્યાં તેને ન્યુઝીલેન્ડ સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


  • Follow us on: