WWEની રિંગમાં પોતાની તાકાત અને ખતરનાક મૂવ્સથી ઓળખાતા બ્રોન્સન રીડના અચાનક નિધનથી રેસલિંગ જગત શોકમાં છે. 38 વર્ષીય રેસલરનું 27 નવેમ્બર, 2026ના રોજ નિધન થયું હોવાની જાહેરાત WWEએ કરી હતી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તેઓ થોડા દિવસ પહેલાં જ સાઉદી અરેબિયામાં યોજાયેલી ક્રાઉન જ્વેલ ઇવેન્ટ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમની સર્જરી થઈ હતી અને તેઓ સારવાર હેઠળ હતા. હવે તેમના મૃત્યુ પાછળનું કારણ શું હતું, સર્જરી બાદ કઈ તબીબી મુશ્કેલીઓ ઊભી થઈ હતી અને શું આ ઈજાઓ સાથે તેમના મોતનો સંબંધ હતો, તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

WWEએ શું કહ્યું બ્રોન્સન રીડના મોત અંગે?

બ્રોન્સન રીડનું અસલી નામ જેર્મેન હેલી હતું. WWEએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 38 વર્ષની વયે મેડિકલ કોમ્પ્લિકેશન્સના કારણે તેમનું નિધન થયું છે. જોકે, કંપનીએ આ તબીબી જટિલતાઓ કઈ હતી અથવા તેમના મૃત્યુનું ચોક્કસ કારણ શું હતું તેની વિગત આપી નથી. WWEએ તેમને માત્ર એક મોટા સ્ટાર તરીકે નહીં, પરંતુ સારા વ્યક્તિ, પરિવારને સમર્પિત પતિ અને સાથી રેસલર તરીકે યાદ કર્યા હતા. તેમના પરિવારમાં ગર્ભવતી પત્ની પેજ અને એક પુત્રી છે. WWEએ પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

https://x.com/TheMagaHulk/status/2126489649258418235?a=8m41flFU4dOuw3mh5ME&s=20

ક્રાઉન જ્વેલમાં કેવી રીતે થઈ હતી ગંભીર ઈજા?

બ્રોન્સન રીડને 7 નવેમ્બર, 2026ના રોજ સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલી ક્રાઉન જ્વેલ ઇવેન્ટ દરમિયાન ઈજા થઈ હતી. તેઓ બ્રોન બ્રેકર અને ઑસ્ટિન થિયરીની મેચ દરમિયાન વચ્ચે આવ્યા હતા. આ દરમિયાન રેસલર ઓબા ફેમીએ તેમને સ્ટેજ પરથી નીચે ટેબલ પર ફેંક્યા હતા. આ ઘટનાને પગલે તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. રેસલિંગ રિપોર્ટ્સ અનુસાર, તેમને પાંસળીઓમાં અનેક ફ્રેક્ચર અને કિડનીમાં ઈજા થઈ હતી. તેમની સારવાર માટે તેઓ સાઉદી અરેબિયામાં રોકાયા હતા. ત્યારબાદ સર્જરી કરાવવામાં આવી હતી અને 18 નવેમ્બરની આસપાસ તેઓ પોતાના દેશમાં પરત ફર્યા હતા.

ઇન્ફેક્શન અને બ્લડ ક્લોટ્સના દાવા કેટલા સાચા?

બ્રોન્સન રીડના મૃત્યુ બાદ તેમના સ્વાસ્થ્ય અંગે નવા દાવા સામે આવ્યા છે. એક રેસલિંગ કન્ટેન્ટ ક્રિએટરે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે સર્જરી બાદ તેમને ઇન્ફેક્શન અને લોહીના ગઠ્ઠા (બ્લડ ક્લોટ્સ) બનવાની સમસ્યા થઈ હતી. આ દાવો પરિવારના સભ્યો પાસેથી માહિતી મળ્યાના આધારે કરવામાં આવ્યો હોવાનું પણ પોસ્ટમાં જણાવાયું હતું. 

રેસલિંગ જગતમાં શોકની લાગણી

બ્રોન્સન રીડના નિધન બાદ WWEએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કંપનીના એક કાર્યક્રમમાં તેમના માનમાં પરંપરાગત 10-બેલ સલામી પણ આપવામાં આવી હતી. સાથી રેસલર્સે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. રીડ WWEમાં બ્રોન્સન રીડ નામથી જાણીતા હતા. તેમણે NXT નોર્થ અમેરિકન ચેમ્પિયનશિપ જીતી હતી અને 2024માં આન્દ્રે ધ જાયન્ટ મેમોરિયલ બેટલ રોયલના વિજેતા બન્યા હતા. તેમની ઓળખ ખાસ કરીને 'સુનામી' ફિનિશિંગ મૂવ માટે હતી.

આ પણ વાંચો: ક્રિકેટ બાદ હવે ઈ-સ્પોર્ટ્સમાં MS Dhoniનો દમ! ‘માહી ક્લચર્સ’ની એન્ટ્રી, આ 7 ટીમો સામે થશે ટક્કર