ગ્લાસગો (કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬): કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ નો સાતમો દિવસ ભારત માટે અત્યંત યાદગાર અને સુવર્ણ સફળતા લઈને આવ્યો છે. સામાન્ય રીતે એથ્લેટિક્સના ટ્રેક પર ભારત માટે ગોલ્ડ મેડલની ખુશી ઓછી જોવા મળતી હોય છે, પરંતુ ૨૩ વર્ષીય એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે આ ઈતિહાસ બદલી નાખ્યો છે.
પેરા-એથ્લેટિક્સ ગાવિતનો ગોલ્ડ પર કબ્જો
ગ્લાસગોના સ્કોટ્સટાઉન સ્ટેડિયમ ખાતે બુધવારે (૨૯ જુલાઈ) રાત્રે યોજાયેલી પેરા-એથ્લેટિક્સની T47 શ્રેણીની ૧૦૦ મીટર દોડની ફાઇનલમાં ભારતના ખેલાડીઓએ મેદાન માર્યું. દિલીપે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. આ જ રેસમાં ભારતના મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતીને ભારત માટે '૧-૨' ફિનિશ સાથે આ ક્ષણને વધુ ભવ્ય બનાવી દીધી. આ સાથે જ વર્તમાન ગેમ્સમાં ભારતનો આ ૩જો સુવર્ણ ચંદ્રક અને એકંદરે ૧૫મો મેડલ છે. આ મેડલ સાથે પુરુષોની T47 ૧૦૦ મીટર દોડમાં ભારતે ઐતિહાસિક સફળતા મેળવી.
આખરી ૩૦ મીટરમાં રોકેટ સ્પીડ: પાંચમા ક્રમેથી સીધા ગોલ્ડ પર નિશાન!
T47 કેટેગરીની આ ફાઇનલ રેસ રોમાંચથી ભરપૂર રહી હતી. શરૂઆતની ગન ફાયર થતાં જ ઇંગ્લેન્ડના કેવિન સાન્તોસ અને ભારતના મોહમ્મદ બેસિલે ધમાકેદાર શરૂઆત કરી હતી. શરૂઆતના ભાગમાં એવું લાગી રહ્યું હતું કે આ બેમાંથી જ કોઈ એક ગોલ્ડ જીતશે. પરંતુ, રેસ પૂરી થવામાં માત્ર ૩૦ મીટર બાકી હતા ત્યારે ૫મા ક્રમે ચાલી રહેલા દિલીપ ગાવિતે અકલ્પનીય સ્પીડ પકડી હતી. રોકેટ જેવી ગતિથી દોડીને તેમણે તમામ સ્પર્ધકોને પાછળ છોડી દીધા અને ૧૦.૭૧ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે તેમણે આ શ્રેણીમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
રોમાંચક ફોટો ફિનિશમાં બાસિલે જીત્યો સિલ્વર
બીજી તરફ, બીજા સ્થાન માટે ભારતના મોહમ્મદ બાસિલ અને ઇંગ્લેન્ડના સાન્તોસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ અત્યંત રોમાંચક ફોટો ફિનિશ મુકાબલામાં બેસિલે બાજી મારીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ટ્રેક એન્ડ ફીલ્ડમાં બે ભારતીય ખેલાડીઓ એકસાથે પોડિયમ પર પ્રથમ અને દ્વિતીય સ્થાને ઉભા રહે તેવી ઘટના ખૂબ જ દુર્લભ છે, પરંતુ દિલીપ અને બાસિલે પોતાની અદભુત દોડથી દેશનું નામ વિશ્વમંચ પર રોશન કર્યું છે.
આ પણ વાંચો : CWG 2026માં ભારતીય મહિલા બોક્સરોએ મચાવી ધૂમ, સાક્ષી અને અરુંધતી ચૌધરીએ મેડલ કર્યો પાક્કો