ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ભારતના સ્ટાર લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે દેશને વધુ એક ગૌરવ અપાવ્યું છે. બુધવારે (૨૯ જુલાઈ) યોજાયેલી પુરુષોની લાંબી કૂદ (Long Jump) ફાઇનલમાં શ્રીશંકરે ૮.૦૯ મીટર ની શાનદાર છલાંગ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. વર્તમાન રમતોમાં ભારતનો આ ૧૩મો મેડલ છે.
મુરલી શ્રીશંકરે રચ્યો ઈતિહાસ
છેલ્લા બે વર્ષથી ગંભીર ઈજાઓ સામે ઝઝૂમી રહેલા શ્રીશંકર માટે આ કમબેક ખૂબ જ ખાસ રહ્યું છે. ક્વોલિફાઇંગ રાઉન્ડના પ્રથમ પ્રયાસમાં જ ફાઇનલમાં જગ્યા બનાવ્યા બાદ, સ્કોટ્સટાઉન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં તેમણે નર્વસ થયા વિના શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇજાગ્રસ્ત હોવા છતાં પ્રથમ પ્રયાસમાં ૮.૦૨ મીટરના કૂદકા સાથે મજબૂત શરૂઆત કરી અને બીજા સ્થાને રહ્યા. જયારે બીજા પ્રયાસમાં ૮.૦૯ મીટરની દમદાર છલાંગ લગાવીને થોડા સમય માટે પ્રથમ સ્થાન મેળવી લીધું. અને આખરી પરિણામમાં જમૈકાના તેજય ગેઇલે ૮.૧૫ મીટરનો કૂદકો મારીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. શ્રીશંકર માત્ર ૬ સેન્ટિમીટરના અંતરથી ગોલ્ડ ચૂક્યા અને તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
