ફૂટબોલની દુનિયામાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે.વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની અજય રહેવાની લાંબી સફરનો આખરે અંત આવ્યો છે.UEFA નેશન્સ લીગના રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડે સ્પેનને 3-2થી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે.મેડ્રિડના મેટ્રોપોલિટાનો સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે એક સમયે 3-0ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, લાલ કાર્ડ મળ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમે 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.આનો ફાયદો ઉઠાવી સ્પેને જોરદાર વાપસી કરી હતી,પરંતુ અંતે ઇંગ્લેન્ડે જીત મેળવીને સ્પેનની સતત 43 મેચની અજય સફર પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

ઇંગ્લેન્ડે પ્રથમ હાફથી જ સ્પેન પર દબાણ બનાવ્યું

ઇંગ્લેન્ડના કોચ થોમસ ટૂશેલે મેચ પહેલાં સ્પેન સામે અશક્ય લાગતી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મેદાન પર તેમની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી.મેચના પ્રથમ હાફમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પેનલ્ટીને ગોલમાં ફેરવીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.ત્યારબાદ બીજા હાફની શરૂઆતમાં એઝરી કોન્સાએ શાનદાર હેડર ફટકારીને સ્કોર 2-0 કર્યો હતો.ઇંગ્લેન્ડ અહીં જ અટક્યું નહોતું. 60 મિનિટ પૂરી થાય તે પહેલાં બેન વ્હાઇટે ત્રીજો ગોલ ફટકારીને સ્પેનની મુશ્કેલી વધારી દીધી હતી.એક સમયે ઇંગ્લેન્ડ 3-0થી આગળ હતું અને સ્પેનની હાર નિશ્ચિત લાગતી હતી.

લાલ કાર્ડ મળતાં મેચનો આખો માહોલ બદલાયો

મેચમાં અસલી રોમાંચ ત્યારે શરૂ થયો જ્યારે ઇંગ્લેન્ડના ખેલાડી ઇલિયટ એન્ડરસનને લાલ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. પેનલ્ટી એરિયામાં લામિન યમાલ સામે ફાઉલ કરવા બદલ રેફરીએ તેને મેદાનની બહાર મોકલી દીધો હતો.આ સાથે ઇંગ્લેન્ડની ટીમ 10 ખેલાડીઓ સાથે રમવા મજબૂર બની હતી. સ્પેનને પેનલ્ટી મળી અને તેણે તેનો ફાયદો ઉઠાવી પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો.ત્યારબાદ અવેજી ખેલાડી તરીકે મેદાનમાં આવેલા નિકો વિલિયમ્સે કાઉન્ટર એટેક પર ગોલ કરીને સ્કોર 3-2 કરી દીધો હતો. હવે સ્પેનને બરાબરી કરવા માટે માત્ર એક ગોલની જરૂર હતી.

https://x.com/brfootball/status/2122083723185189244?a=n5AibreulBPeke2bEeI&s=20

ગોલકીપરના શાનદાર બચાવથી ઇંગ્લેન્ડની જીત

મેચની છેલ્લી 15 મિનિટમાં સ્પેને બરાબરી મેળવવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. ઘરઆંગણાના હજારો ચાહકોની હાજરીમાં સ્પેનના ખેલાડીઓએ સતત આક્રમણ કર્યું હતું.જોકે, ઇંગ્લેન્ડના ગોલકીપર જેમ્સ ટ્રેફર્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ગોલની નજીકથી આવતા બે ખતરનાક શોટ રોકીને સ્પેનને બરાબરી કરતા અટકાવ્યું હતું.આખરે ઇંગ્લેન્ડે 3-2થી મેચ જીતીને મેદાન માર્યું હતું. આ જીત સાથે થોમસ ટૂશેલની ટીમે પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પણ જગ્યા પાકી કરી હતી.

સ્પેનની 43 મેચની અજય સફરનો અંત

સ્પેનની ટીમ છેલ્લા ઘણા સમયથી વિશ્વ ફૂટબોલમાં શાનદાર પ્રદર્શન કરી રહી હતી. સતત 43 મેચ સુધી અપરાજિત રહેવાનો તેનો રેકોર્ડ આખરે ઇંગ્લેન્ડ સામે તૂટી ગયો હતો.આ સમયગાળા દરમિયાન સ્પેને યુરો કપ અને વર્લ્ડ કપ જેવા મોટા ખિતાબ પણ જીત્યા હતા. પોતાની ધરતી પર પણ સ્પેન લાંબા સમયથી હાર્યું નહોતું.બીજી તરફ ઇંગ્લેન્ડ માટે આ જીત ખાસ રહી હતી. યુરો 2024ની ફાઇનલમાં સ્પેન સામે મળેલી હાર અને અગાઉ નેશન્સ લીગમાં થયેલી હારનો બદલો ઇંગ્લેન્ડે આ મુકાબલામાં ચૂકતે કર્યો હતો.

આ પણ વાંચો - Martial Arts: અમદાવાદમાં કુડો ટુર્નામેન્ટમાં અક્ષય કુમાર અને હર્ષ સંઘવીની હાજરી, હજારો ખેલાડીઓએ લીધો ભાગ