વિશ્વપ્રસિદ્ધ TIME મેગેઝિને ભારતના ભવિષ્યને આકાર આપી રહેલી 100 ઉભરતી પ્રતિભાઓની ખાસ યાદી જાહેર કરી છે. તેમાં રમતગમતના 9 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થયો છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીથી લઈને વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશ અને મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર સુધીનાં નામ આ યાદીમાં છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ, આર્યન ખાન અને દિલજીત દોસાંઝ જેવી જાણીતી હસ્તીઓને પણ સ્થાન મળ્યું છે.
રમતગમતના 9 ખેલાડીઓને TIMEની યાદીમાં સ્થાન
TIME100 Next Indiaની પ્રથમ યાદીમાં રમતગમતના કુલ 9 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. તેમાં ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને હરમનપ્રીત કૌર, બોક્સર લોવલિના બોર્ગોહેન, વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ, હોકી ગોલકીપર સવિતા પુનિયા, એથ્લીટ વિથ્યા રામરાજ અને તીરંદાજ કુમકુમ મોહોડ સામેલ છે. આ યાદીમાં અલગ-અલગ રમતના ખેલાડીઓનો સમાવેશ કરીને ભારતીય રમતજગતમાં ઉભરતી પ્રતિભા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવનાર ખેલાડીઓની નોંધ લેવામાં આવી છે.
વૈભવ, હરમનપ્રીત અને ડી. ગુકેશની ખાસ ઓળખ
માત્ર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનું ચર્ચિત નામ બની ગયો છે. IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. ત્યારથી તેની ગણતરી વિશ્વના સૌથી ચર્ચિત યુવા ક્રિકેટરોમાં થાય છે. હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 2025માં પ્રથમ વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ અપાવવામાં નેતૃત્વ કર્યું હતું. બીજી તરફ, ડી. ગુકેશ સૌથી નાની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો હતો. મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે લોવલિના બોર્ગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સાનિયા મિર્ઝા ટેનિસમાં છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી ચૂકી છે. સવિતા પુનિયા ભારતીય મહિલા હોકી ટીમની અનુભવી ગોલકીપર છે. વિથ્યા રામરાજે એથ્લેટિક્સમાં 400 મીટર હર્ડલ્સમાં પોતાની ઓળખ બનાવી છે, જ્યારે તીરંદાજ કુમકુમ મોહોડે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
આલિયા ભટ્ટ, આર્યન ખાન અને દિલજીત દોસાંઝ પણ સામેલ
રમતગમત ઉપરાંત મનોરંજન અને સંગીત જગતનાં અનેક મોટાં નામોને પણ TIMEની યાદીમાં સ્થાન મળ્યું છે. તેમાં અભિનેત્રી આલિયા ભટ્ટ, ફિલ્મ નિર્માતા અને અભિનેતા આર્યન ખાન, ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા, અભિનેતા વિકી કૌશલ અને સાઉથની અભિનેત્રી નયનતારા સામેલ છે. સંગીત જગતમાંથી દિલજીત દોસાંઝ, એ.આર. રહેમાન સાથે કામ કરી ચૂકેલા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને પ્રતીક કુહાડ જેવા નામ પણ આ યાદીમાં છે.
બિઝનેસ અને ટેક્નોલોજીના દિગ્ગજોનો પણ સમાવેશ
બિઝનેસ અને ટેક્નોલોજી ક્ષેત્રમાંથી સ્કાયરૂટના સહસ્થાપક પવન કુમાર ચંદના, લેન્સકાર્ટના સહસ્થાપક પીયૂષ બંસલ, ઝેપ્ટોના સહસ્થાપક આદિત પાલિચા અને ઇટર્નલના સહસ્થાપક અલબિન્દર સિંહ ધીંડસા જેવા નામોને સ્થાન મળ્યું છે. TIMEના જણાવ્યા અનુસાર, આ યાદી ભારતના બિઝનેસ, મનોરંજન, વિજ્ઞાન, રમતગમત અને સામાજિક ક્ષેત્રોમાં ભવિષ્યને આકાર આપી રહેલા 100 ઉભરતા નેતાઓ અને પ્રતિભાઓને ઓળખ આપે છે. 7 ડિસેમ્બરના TIME મેગેઝિનના વિશેષ અંકમાં આ યાદી પ્રકાશિત થશે. જ્યારે 12 ડિસેમ્બરે મુંબઈમાં પ્રથમ TIME100 Next India ગાલાનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: Indian Golf: ત્રણ ભારતીય ખેલાડીઓ એકસાથે ટોચ પર, હવે ખિતાબ માટે જંગ