ફીફા વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સી (Group C) ના એક અત્યંત રોમાંચક અને હાઈ-વોલ્ટેજ મુકાબલામાં મોરોક્કોએ જોરદાર વાપસી કરીને હૈતીને 4-2થી હરાવી દીધું છે. આ શાનદાર જીતની સાથે જ મોરોક્કોની ટીમે ટુર્નામેન્ટના રાઉન્ડ ઓફ 32માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. હવે રાઉન્ડ ઓફ 32માં મોરોક્કોનો સામનો ગ્રુપ એફ (Group F) માં ટોચના સ્થાને રહેનારી ટીમ સામે થશે. બીજી તરફ, આ કારમી હાર સાથે જ હૈતીનું આ વર્ષે વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું છે.
હૈતીએ શરૂઆતમાં ચોંકાવ્યા, 1974 પછી કર્યો પહેલો ગોલ
મેચની શરૂઆતમાં હૈતીની ટીમ કોઈપણ પ્રકારના દબાણ વિના મેદાનમાં ઉતરી હતી અને આક્રમક રમત રમીને મેચની 10મી મિનિટે જ પહેલો ગોલ કરીને તમામને ચોંકાવી દીધા હતા. જીન-કેવિન ડુવર્નના શાનદાર પાસ પર લેની જોસેફે એક અદભુત બેકહીલ ફ્લિક લગાવી હતી. આ બોલ મોરોક્કોના ગોલકીપર યાસીન બોનો સાથે અથડાઈને સીધો ગોલ પોસ્ટમાં સરકી ગયો હતો. 1974 પછી ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં હૈતીનો આ પ્રથમ ગોલ હતો, જેણે હૈતીના ફેન્સને ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા.
અચરફ હકીમી અને સાઇબારીની શાનદાર વાપસી
હૈતીની શરૂઆતી લીડ બાદ મોરોક્કોએ પણ આક્રમણ તેજ કર્યું હતું. મેચની ૩૯મી મિનિટે સ્ટાર ખેલાડી અચરફ હકીમીએ બિલાલ એલ ખન્નોસના શોટ બાદ રીબાઉન્ડ થયેલા બોલ પર ઝડપી પ્રતિક્રિયા આપીને ગોલ કર્યો અને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો. જોકે, હૈતીએ ફરી એકવાર મેચમાં સરસાઈ મેળવી લીધી હતી જ્યારે વિલ્સન ઇસિડોરે લાંબા અંતરેથી એક જોરદાર શોટ મારીને સ્કોર 1-2 કરી નાખ્યો હતો. પરંતુ મોરોક્કોએ હિંમત હારી નહીં અને હાફ ટાઈમના સ્ટોપેજ ટાઈમમાં હકીમીના શાનદાર કટબેક પર સાઇબારીએ ગોલ કરીને સ્કોર 2-2 ની બરાબરી પર લાવી દીધો.
બીજા હાફમાં મોરોક્કોનું એકચક્રી શાસન
બીજા હાફમાં મોરોક્કોની ટીમે રમત પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. મોરોક્કોના સતત હુમલાઓ સામે હૈતીનું ડિફેન્સ લાચાર દેખાયું હતું. મેચની 78મી મિનિટે સબસ્ટિટ્યુટ તરીકે આવેલા સૂફિયાન રહીમીએ કોર્નરનો ફાયદો ઉઠાવીને ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો. ત્યારબાદ 89મી મિનિટે ગેસ્સીમ યાસીને ચોથો ગોલ કરીને મોરોક્કોની જીત પર અંતિમ મહોર લગાવી દીધી હતી. આ જીત સાથે મોરોક્કો ગ્રુપ સીમાં 3 મેચમાં 7 પોઈન્ટ મેળવીને બીજા સ્થાને રહ્યું છે.
આ પણ વાંચો:FIFA World Cup Day 13 Result: ઈંગ્લેન્ડની મેચ ડ્રો, ક્રોએશિયાની જીત, કોલંબિયા નોકઆઉટમાં પહોંચ્યું