ફિફા વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ B ની એક રોમાંચક મેચમાં સ્વિટ્ઝર્લેન્ડે કેનેડાને 2-1 થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ધમાકેદાર જીત સાથે સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપ B માં ટોચ પર રહીને સન્માનભેર રાઉન્ડ ઓફ 32 (નોકઆઉટ તબક્કા) માં પહોંચી ગયું છે. બીજી તરફ, આ મેચમાં હારવા છતાં કેનેડાની ટીમ માટે પણ ઉત્સવનો માહોલ છે, કારણ કે ફૂટબોલ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કેનેડા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય થયું છે.
ફિફા વર્લ્ડકપમાં પોઇન્ટ્સ ટેબલનું સમીકરણ
ગ્રુપ B માં સ્વિટ્ઝર્લેન્ડ 3 મેચમાં બે જીત અને એક ટાઈ સાથે કુલ 7 પોઈન્ટ મેળવીને ગ્રુપમાં પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે કેનેડાએ તેમની ત્રણ ગ્રુપ મેચોમાંથી એકમાં જીત, એકમાં હાર અને એક મેચ ટાઈ કરી કુલ 4 પોઈન્ટ મેળવ્યા હતા. ખાસ વાત એ છે કે બોસ્નિયા અને હર્ઝેગોવિનાના પણ 4 પોઈન્ટ જ હતા, પરંતુ કેનેડા બહેતર ગોલ તફાવતને (Goal Difference) કારણે બોસ્નિયા કરતા આગળ નીકળી ગયું અને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી. કેનેડાએ આ પહેલા ગ્રુપ સ્ટેજમાં કતારને હરાવ્યું હતું જે તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.
કેનેડા-સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે ફર્સ્ટ હાફમાં કાંટાની ટક્કર
બીસી પ્લેસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચની શરૂઆતથી જ બંને ટીમોએ અત્યંત આક્રમક રમત રમી હતી. સ્વિટ્ઝર્લૅન્ડ અને કેનેડા બંનેને ગોલ કરવાની અનેક તકો મળી હતી, પરંતુ પહેલા હાફ (શરૂઆતની 45 મિનિટ) માં બંને ટીમોનું ડિફેન્સ એટલું મજબૂત હતું કે કોઈ પણ ખેલાડી ગોલ પોસ્ટને ભેદી શક્યો નહોતો અને ફર્સ્ટ હાફ ગોલ વિના શૂન્ય પર સમાપ્ત થયો હતો. સેકન્ડ હાફમાં સ્વિટ્ઝર્લેન્ડનો ડબલ એટેક અને કેનેડાની વાપસી થઈ. બીજા હાફની શરૂઆતમાં જ સ્વિટ્ઝર્લેન્ડે આક્રમણ તેજ કર્યું. રુબેન વર્ગાસે એક શાનદાર ગોલ કરીને સ્વિટ્ઝર્લૅન્ડને 1-0ની લીડ અપાવી દીધી હતી. આ લીડને બમણી કરવામાં સ્વિટ્ઝર્લેન્ડને વધુ સમય ન લાગ્યો. મેચની 57મી મિનિટે, સ્વિટ્ઝર્લેન્ડના 20 વર્ષીય યુવા સ્ટાર જોહાન મઝામ્બીએ કેનેડિયન ડિફેન્સની ભૂલનો ફાયદો ઉઠાવીને ટીમ માટે બીજો ગોલ કર્યો અને સ્કોર 2-0 કરી દીધો. મઝામ્બી સમગ્ર મેચ દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.
કેનેડા-સ્વિટ્ઝર્લેન્ડની મેચ છેલ્લી ઘડી સુધી રોમાંચક બની
2-0 ની લીડ બાદ સ્વિટ્ઝર્લૅન્ડની જીત પાકી લાગતી હતી, પરંતુ કેનેડાએ હાર ન માની. 76મી મિનિટે સબસ્ટિટ્યુટ ખેલાડી તરીકે મેદાનમાં આવેલા પ્રોમિસ ડેવિડે કેનેડા વતી શાનદાર ગોલ કરીને સ્કોર 2-1 કર્યો અને મેચમાં રોમાંચ પાછો લાવી દીધો હતો. છેલ્લી મિનિટોમાં કેનેડાએ મેચ બરાબરી પર લાવવા માટે આકાશ-પાતાળ એક કર્યા અને ઘણા આક્રમણો કર્યા, પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડના અનુભવી ડિફેન્સે કેનેડાને સફળ થવા દીધું નહીં. અંતે સ્વિટ્ઝર્લેન્ડે 2-1 થી મેચ પોતાના નામે કરી લીધી. જોકે, આ મેચના પરિણામથી બંને ટીમો ખુશ છે કારણ કે બંને સત્તાવાર રીતે રાઉન્ડ ઓફ 32 માં પ્રવેશી ચૂકી છે.