ફિફા વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે.રાઉન્ડ ઓફ 16 ના મુકાબલા શરૂ થઈ ચૂક્યા છે,જેમાં શાનદાર પ્રદર્શન કરીને ફ્રાન્સ અને મોરોક્કોની ટીમે ઓલરેડી ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.હવે ફૂટબોલ ફેન્સની નજર ત્રીજા અને ચોથા પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલા પર ટકેલી છે. આ મેચોમાં સહ-યજમાન મેક્સિકોનો સામનો ઇંગ્લેન્ડ સામે અને ફૂટબોલની દિગ્ગજ ટીમ બ્રાઝિલનો સામનો નોર્વે સામે થશે.ગ્રુપ સ્ટેજથી લઈને રાઉન્ડ ઓફ 32 સુધી આ ચારેય ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેથી આ ટક્કર ખૂબ જ રોમાંચક બનવાની આશા છે.
મેક્સિકો સામે ઇંગ્લેન્ડનું પલડું ભારે
રાઉન્ડ ઓફ 16 નો ત્રીજો મુકાબલો મેક્સિકો સિટી સ્ટેડિયમમાં રમાશે. હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડનો દબદબો સાફ જોવા મળે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમાઈ છે, જેમાંથી ઇંગ્લેન્ડે 6 મેચ જીતી છે, જ્યારે મેક્સિકો માત્ર 2 મેચ જીતી શક્યું છે અને 1 મેચ ડ્રો રહી છે.
બ્રાઝિલ માટે નોર્વેનો પડકાર સરળ નહીં હોય
પાંચ વખતની ફિફા વર્લ્ડ કપ વિજેતા બ્રાઝિલની ટીમનો ભૂતકાળ ભલે ભવ્ય રહ્યો હોય, પરંતુ નોર્વે સામે તેમનો રેકોર્ડ ઘણો ખરાબ છે. બ્રાઝિલની ટીમ અત્યાર સુધી નોર્વે સામે એકપણ મેચ જીતી શકી નથી. બંને વચ્ચે રમાયેલી 2 મેચોમાંથી 1 નોર્વે જીત્યું છે અને 1 ડ્રો રહી છે. આ મેચ ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે.
ફિફા વર્લ્ડ કપ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જામ્યો જંગ
ફિફા વર્લ્ડ કપ 2026 ની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચો 4 જુલાઈના રોજ શરૂ થઈ હતી, જેમાં હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે સહ-યજમાન કેનેડા અને મોરોક્કો વચ્ચે રમાયેલી પહેલી મેચમાં મોરોક્કોએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું. મોરોક્કોએ આ મેચ 3-0 ના મોટા માર્જિનથી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જેમાં તેઓ સતત બીજી વખત વર્લ્ડ કપમાં છેલ્લા 8 માં પહોંચવામાં સફળ રહ્યા હતા. દરમિયાન, ફ્રેન્ચ ટીમનો સામનો રાઉન્ડ ઓફ 16 માં પેરાગ્વે સામે થયો હતો, જે તેઓ 1-0 ના માર્જિનથી જીતવામાં સફળ રહ્યા હતા, જેમાં આ મેચમાં તેમનો એકમાત્ર ગોલ કાયલિયન એમબાપ્પે દ્વારા પેનલ્ટી શૂટઆઉટથી કરવામાં આવ્યો હતો. હવે, ફ્રાન્સ અને મોરોક્કો 10 જુલાઈના રોજ બોસ્ટનના સ્ટેડિયમ ખાતે ક્વાર્ટર ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે.
આ પણ વાંચો - FIFA World Cup 2026:કિલિયન એમ્બાપ્પેના નિર્ણાયક ગોલથી પરાગ્વેને હરાવી ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં