ફિફા વર્લ્ડ કપ 2026 માં ધીમી શરૂઆત કરનારી ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમે હવે જબરદસ્ત લય પકડી લીધી છે. હેરી કેન (Harry Kane) ના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડની ટીમ શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં હવે તેનો સામનો નોર્વે સામે થવાનો છે. જો કે, આ મહામુકાબલા પહેલાં જ ટીમના વરિષ્ઠ મિડફિલ્ડર જોર્ડન હેન્ડરસનના ડાબા હાથમાં ફ્રેક્ચર થવાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જે ઇંગ્લેન્ડ માટે બહુ મોટો ફટકો છે.

ઇંગ્લેન્ડને જીતની અનોખી ઉજવણી પડી ભારે

રાઉન્ડ ઓફ 16 (Round of 16) ના છેલ્લા મુકાબલામાં ઇંગ્લેન્ડનો સામનો યજમાન દેશ મેક્સિકો સામે થયો હતો. અત્યંત રોમાંચક રહેલી આ મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકોને 3-2 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મોટી જીત બાદ ખેલાડીઓ અને ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. મેચ પૂરી થતાં જ તમામ ખેલાડીઓ સ્ટેડિયમમાં હાજર ફેન્સ સાથે જીતની ઉજવણી કરવા માટે ફૂટબોલ પીચ પાર કરીને આગળ વધ્યા હતા. આ જ ઉજવણી દરમિયાન 36 વર્ષીય જોર્ડન હેન્ડરસન એક નાની ભૂલના કારણે ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો.

હેન્ડરસનનો હાથ કેવી રીતે ફ્રેક્ચર થયો?

ફેન્સ સાથે સેલિબ્રેશન પૂરું કરીને જ્યારે ખેલાડીઓ મેદાન પર પાછા ફરી રહ્યા હતા, ત્યારે હેન્ડરસને મેદાનની કિનારે લાગેલા ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ (જાહેરાતના બોર્ડ) પરથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ કૂદકા દરમિયાન તેનો બેલેન્સ બગડ્યું અને તે મોઢાભેર નીચે પટકાયો હતો. પડી જવાના કારણે તેનો ડાબો હાથ ખરાબ રીતે વળી ગયો અને તે અસહ્ય પીડાથી ચીસ પાડી ઉઠ્યો હતો. મેદાન પર હાજર તબીબી ટીમે (Medical Team) તત્કાલ તેની તપાસ કરી તેને સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો હતો.

સર્જરી સફળ રહી, પરંતુ હવે રમવું અશક્ય

મેક્સિકો સિટીની સ્થાનિક હોસ્પિટલમાં તપાસ બાદ નિદાન થયું કે હેન્ડરસનના ડાબા હાથમાં ગંભીર ફ્રેક્ચર છે, જેના કારણે તાત્કાલિક તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી સફળ રહ્યા બાદ હેન્ડરસને હોસ્પિટલના બેડ પરથી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ફેન્સને હેલ્થ અપડેટ આપ્યું હતું અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો. તે અત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને યુનાઇટેડ સ્ટેટ્સના કેન્સાસ સિટીમાં પહોંચી ગયો છે, જ્યાં હાલમાં ઇંગ્લેન્ડની ટીમનો કેમ્પ લાગેલો છે. જોકે, ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તે નોર્વે સામેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં રમી શકશે નહીં. એટલું જ નહીં, જો ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પહોંચશે તો પણ તેનું રમવું અશક્ય દેખાઈ રહ્યું છે.


આ પણ વાંચો : FIFA World Cup 2026 : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વર્લ્ડ કપ સફરનો અંત, પોર્ટુગલ સ્પેન સામે હારી ગયું