ફિફા વર્લ્ડ કપ 2026માં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં બ્રાઝિલ સામે 2-1થી પરાજય થતાં જાપાનની સફરનો અંત આવ્યો છે. રાઉન્ડ ઓફ 32ની આ મેચમાં કારમી હાર બાદ જાપાનના હેડ કોચ હાજીમે મોરિયાસુ અને તેમના ખેલાડીઓ મેદાન પર જ ભાવુક થઈ ગયા હતા. જાપાનીઝ ટીમે સ્ટેડિયમમાં હાજર પોતાના પ્રશંસકો સમક્ષ નમીને માફી માગી હતી અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ વિશ્વભરના ફૂટબોલ ચાહકોના દિલ જીતી લીધા છે.
બ્રાઝિલને રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યું
મેચની વાત કરીએ તો, ફર્સ્ટ હાફમાં જાપાનના કાઈશુ સાનોએ શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી, જેના કારણે પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની ટીમ દબાણમાં આવી ગઈ હતી. જોકે, બીજા હાફમાં બ્રાઝિલે જોરદાર વાપસી કરી હતી. કેસેમિરોએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઈમ તરફ વધી રહી હતી, ત્યારે જ સ્ટોપેજ ટાઈમની 5મી મિનિટે ગેબ્રિયલ માર્ટિનેલીએ વિનિંગ ગોલ ફટકારીને બ્રાઝિલને રાઉન્ડ ઓફ 16માં પહોંચાડી દીધું હતું.
મેદાનની વચ્ચે ખેલાડીઓ ભાવુક થયા
મેચ પૂરી થવાની વ્હીસલ વાગતાની સાથે જ કોચ મોરિયાસુએ તમામ ખેલાડીઓને મેદાનની વચ્ચે એકઠા કર્યા હતા. ટીમને સંબોધિત કરતી વખતે કોચ પોતે આંસુ રોકી શક્યા નહોતા. ત્યારબાદ તેઓ ખેલાડીઓ સાથે જાપાનીઝ સપોર્ટર્સ તરફ આગળ વધ્યા હતા. કોચ અને ટીમના તમામ સભ્યોએ ચાહકો સમક્ષ ઊંડા આદર સાથે માથું નમાવ્યું હતું. હારના આ આઘાત વચ્ચે પણ પ્રશંસકોએ તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓની હિંમત વધારી હતી અને ટૂર્નામેન્ટમાં તેમના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું હતું.
છેલ્લી ઘડીએ તૂટ્યું જાપાનનું સપનું
જાપાને પોતાની મજબૂત ડિફેન્સ લાઇનના જોરે કાર્લો એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો. પરંતુ છેલ્લી ઓવરટાઇમ મિનિટોમાં માર્ટિનેલીના આક્રમણ સામે જાપાનનું ડિફેન્સ ટકી શક્યું નહીં. આ હાર સાથે જાપાનનું પ્રથમ વખત વર્લ્ડ કપ નોકઆઉટ મેચ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. જોકે, મેચ બાદ જાપાનીઝ ટીમની નમ્રતા અને ખેલદિલીએ ફરી સાબિત કર્યું છે કે ફૂટબોલમાં માત્ર સ્કોરબોર્ડ જ નહીં, પણ સંસ્કાર અને પ્રશંસકો પ્રત્યેનો આદર પણ એટલો જ માયને રાખે છે.
આ પણ વાંચો - FIFA World Cup 2026: ફેન્સ કેમ થયા પરેશાન? હવામાન નહીં પણ આ મોટું કારણ આવ્યું સામે!